Gujarati News

Gujarati News

News of Wednesday, 29th March 2023

આણંદ તાલુકાના રામનગરને નિશાન બનાવી તસ્કરોએ 3.88 લાખની મતાની ઉઠાંતરી કરી

આણંદ : આણંદ તાલુકાના રામનગર ખાતે આવેલ એક બંધ મકાનને ગઈકાલ રાત્રીના સુમારે અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ બંધ મકાનના તાળા તોડી અંદરથી સોના-ચાંદીના દાગીના તથા રોકડ મળી કુલ્લે રૂા.૩.૮૮ લાખની મતાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે વાસદ પોલીસે અજાણ્યા તસ્કરો વિરુધ્ધ ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વધુમાં પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આણંદ તાલુકાના રામનગર ગામે આવેલ બ્રહ્મપોળ ખાતે કેયુરકુમાર નવીનચંદ્ર ત્રિવેદીનું મકાન આવેલ છે. તેઓનું અન્ય મકાન આણંદ પાસેના ચીખોદરા ગામે તપોભૂમિ સોસાયટી ખાતે આવેલ હોઈ ગત તા.૨૧મી માર્ચના રોજ કેયુરકુમાર પત્ની સાથે આણંદ ખાતે રહેવા ગયા હતા. દરમ્યાન અજાણ્યા તસ્કરોએ તેઓના રામનગર ખાતે આવેલ મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ મકાનના મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કરી તિજોરીમાં મુકેલ સોના-ચાંદીના દાગીના તેમજ રોકડા રૂા.૨૩ હજાર મળી કુલ્લે રૂા.૩.૮૮ લાખની મતાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બીજા દિવસે સવારે પડોશીએ તેઓના ઘરના દરવાજાની જાળી ખુલ્લી જોતા તુરત જ કેયુરકુમારને ફોનથી જાણ કરતા કેયુરકુમાર રામનગર ખાતે દોડી આવ્યા હતા. ત્યાં ઘરમાં જઈ તપાસ કરતા સરસામાન વેરવિખેર પડેલો અને મકાનમાં ચોરી થઈ હોવાનું માલૂમ પડયું હતું. જેથી કેયુરકુમાર ત્રિવેદીએ આ અંગે વાસદ પોલીસ મથકમાં જાણ કરતા પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને અજાણ્યા તસ્કરો વિરુધ્ધ ચોરીનો ગુનો નોંધી તસ્કરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

(6:53 pm IST)