Gujarati News

Gujarati News

News of Wednesday, 29th March 2023

વડોદરાના છાણી જકાતનાકા વિસ્તારમાં એટીએમ મશીનમાં રહેલું કાર્ડ બદલી ભેજાબાજે 25 હજાર ઉપાડી લેતા પોલીસ ફરિયાદ

વડોદરા:શહેરના છાણી જકાતનાકા ખાતેની BOBની શાખાના એટીએમમાં નાણા ઉપાડતા સમયે અજાણ્યો ભેજાબાજ યુવકની નજર ચૂકવી મશીનમાં રહેલું એટીએમ કાર્ડ બદલી મૂળ કાર્ડની ચોરી કરી ટુકડે ટુકડે 25 હજારની રકમ ઉપાડી છેતરપિંડી આચરી હોવાની ઘટના સામે આવી છે. શહેરના છાણી જકાતનાકા વિસ્તારમાં રહેતા 57 વર્ષીય રાજેશગીરી દિનેશભાઈ ગોસાઈ એકાઉન્ટન્ટનું કામ કરે છે. 23 માર્ચના રોજ બપોરના સુમારે તેઓ જમાઈનું એટીએમ કાર્ડ લઈ છાણી જકાતનાકા પાસેની બેંક ઓફ બરોડાની શાખાના એટીએમમાં નાણા ઉપાડવા માટે ગયા હતા. નાણા ઉપડતા ના હોય તેઓ મોબાઇલ ફોન ઉપર જમાઈ સાથે વાત કરતા હતા તે સમયે આશરે 25 વર્ષનો અજાણ્યો શખ્સ તેમની નજર ચૂકવી એટીએમ મશીનમાં રહેલ એટીએમ કાર્ડ બદલી મારું એટીએમ કાર્ડ ચોરી નાસી છૂટ્યો હતો. અને થોડીવાર બાદ તેમના જમાઈના બેંક ખાતામાંથી ટુકડે ટુકડે 25 હજારની રકમ ભેજાબાજે ઉપાડી લીધી હતી. બનાવ સંદર્ભે પોલીસે વધુ તપાસ સાથે સીસીટીવીના સગડ મેળવવાની તજવીજ હાથ ધરી હતી.

(6:43 pm IST)