Gujarati News

Gujarati News

News of Wednesday, 29th March 2023

અમદાવાદ કોર્પોરેશન દ્વારા સ્‍વચ્‍છતા અભિયાન ઝુંબેશ હાથ ધરાઇઃ જાહેરમાં કચરો નાખી ગંદકી કરનાર વિરૂદ્ધ કાર્યવાહીઃ 10 હજારનો દંડ થશે

ઝુંબેશના ભાગરૂપે 30-30 સભ્‍યોની 100 ટીમો બનાવી મોનિટરીંગ કરી દંડનાત્‍મક પગલા લેશે

અમદાવાદઃ હવેથી અમદાવાદમાં જાહેરમાં ગંદકી ફેલાવનારની ખેર નહીં. કારણ કે હવેથી અમદાવાદમાં જાહેરમાં ગંદકી કરનાર દુકાનદારો વિરૂદ્ધ કાર્યવાહી કરાશે. અમદાવાદના રસ્તાઓ પર સફાઈ માટે અધિકારીઓને સૂચના પણ આપી છે. ત્યારે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે કાર્યવાહી પણ શરૂ કરી દીધી છે. અમદાવાદની સોસાયટીની બહાર કચરો હશે તો આજથી 10 હજાર રૂપિયાનો દંડ થશે. આ માટે એક ઝુંબેશ ચલાવાશે. જેના માટે 30-30 સભ્યોની 100 ટીમ બનાવાઈ છે.

અમદાવાદ જાહેરમાં કચરો ફેંકતા શહેરીજનો ચેતી જજો. કેમ કે, ગંદકી ફેલવાતી સોસાયટીઓ પર AMCની નજર છે. ગંદકી કરનારાઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આજથી મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ કાર્યવાહી શરૂ કરી દીધી છે. જે મુજબ આજથી કચરો કરનારા પાસેથી દંડ વસૂલવામાં આવશે.

સ્વચ્છતા અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને લાલ આંખ કરી છે. જો આજથી અમદાવાદની કોઈ પણ સોસાયટીની બહાર કચરો હશે તો આજથી 10,000 રૂપિયાનો દંડ થશે. ઝુંબેશના ભાગરૂપે 30-30 સભ્યોની 100 ટીમ બનાવાઈ છે. તેમજ ખાદ્ય પદાર્થોના પ્લાસ્ટિક પેકેટ જે-તે ઉદ્યોગે પાછા લેવા પડશે.

શહેરમાં રોજના 20 લાખ ચાના કપ કચરામાં ઠલવાય છે, તેથી પ્લાસ્ટિકના આ કપ સામે મોટી ઝુંબેશ હાથ ધરાશે. સાથે જ પ્લાસ્ટિકની થેલી સામે પણ પગલા લેવાશે.

જો અમદાવાદીઓ આ મામલે ગંભીર નહિ બને તો તેમનું આવી બનશે. એએમસી દ્વારા દંડાત્મક પગલા લેવામાં આવનાર છે.

(5:58 pm IST)