Gujarati News

Gujarati News

News of Thursday, 28th December 2017

બટાકા પાંચ રૂપિયે અને ડુંગળી ૫૦ રૂપિયે કિલો..!

ડુંગળીની બે મહિનાની તેજીમાં કોઇ ઘટાડો નહીં અને બટાકાના ફેંકી દેવાના ભાવ

અમદાવાદ તા. ૨૮ : શાકભાજીના બજારમાં પણ હવે શેરબજાર જેવા હાલ જોવા મળી રહ્યા છે. દિવાળીના સમયથી રૂ. ૫૦ કિલોએ પહોંચેલા ડુંગળીના દામ ઓછા થવાનું નામ લેતા નથી, ત્યારે હવે બટાકાના ભાવ કકકડભૂસ થઇ ગયા છે. છૂટક બજારોમાં વેપારીઓ રૂ. ૧૦ના બે કિલો બટાકા વેચવા પર મજબૂર થઇ ગયા છે. ડુંગળી અને બટાકાની કવોલિટી પણ અત્યારે જોઇએ તેવી મળી રહી નથી. બટાકા કોલ્ડ સ્ટોરેજથી છલકાઈ ગયા છે, ત્યારે બજારોમાં ડુંગળી પણ ભીની વેચાઇ રહી છે. ડુંગળીના ભાવ ૫૦થી ઘટીને કયાંક ૪૦ સુધી પહોંચેલા પણ દેખાય છે, પરંતુ એકંદરે રૂ. ૫૦ના જ ભાવ બોલાઇ રહ્યા છે. ડુંગળીનો ભાવવધારો હવે ગૃહિણીઓને પણ રડાવી રહ્યો છે જયારે ફેંકી દેવાના ભાવે પહોંચી ગયેલા બટાકા ખરીદીને શું કરવું એવો પ્રશ્ન પણ તેમને સતાવી રહ્યો છે. છેલ્લા બે મહિનાથી ડુંગળીમાં એકધારી તેજીની ચાલ જોવા મળી રહી છે.

શહેરના વિવિધ વિસ્તારોમાં હજુ પણ ડુંગળી ૫૦ રૂ. કિલોના ભાવે મળી રહી છે. કયાંક કયાંક રૂ. ૪૦ પણ હોય છે. પરંતુ તે ડુંગળીની પ્રમાણમાં ઉતરતી ગુણવત્ત્।ાવાળી હોય છે. દિવાળીના તહેવોરામાં ડુંગળીના ભાવવધારાએ રડાવવાનું શરૂ કર્યું હતું અને આજે બે મહિના છતાંય તેના ભાવ ઘટતા નથી. ડુંગળીની આવક ઓછી થઇ હોવાથી ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. વચ્ચેવચ્ચે તેના ભાવ ૩૫ રૂ.ની આસપાસ પણ આવી ગયા પરંતુ ફરી ૪૦થી ૫૦ની વચ્ચે આવી ગયા છે. વેપારીઓનું કહેવું છે કે, 'ડુંગળીની આવક ઘટી ગઇ હોવાથી તેના ભાવ ઊંચા બોલાઇ રહ્યા છે. હોલસેલનો ભાવ રૂ. ૩૨થી ૩૩ કિલો છે. તે ઉપરાંત ટ્રાન્સપોર્ટેશન, કમિશન અને બગાડ બધાની ગણતરી કરતા છૂટક વેપારીને ૩૫થી ૪૦ રૂપિયા કિલોમાં પડે છે. ત્યારે ડુંગળીને અલગ-અલગ તારવીને નાની ડુંગળીઓ ૩૦થી ૩૫ રૂપિયા કિલોના ભાવે અને સારી કવોલિટીની ડુંગળી ૪૫થી ૫૦ રૂપિયાના ભાવે વેચવામાં આવી રહી છે.' તરફ બટાકાના વેપારીઓ અને ખેડૂતો માટે રડવાનો વારો આવ્યો છે.

માર્કેટમાં મોટાપાયે બટાકાનો માલ ઠલવાઇ રહ્યો છે. જેમાં ડીસાના સ્થાનિક ખેડૂતોના માલ ઉપરાંત પંજાબના બટાકા અને કોલ્ડ સ્ટોરેજ એમ ત્રણ પ્રકારના બટાકા હાલ બજારમાં મળી રહ્યા હોવાનું વેપારીઓએ જણાવ્યું છે. જમાલપુરના ડુંગળી-બટાકાના વેપારીના જણાવ્યા પ્રમાણે,'હોલસેલ બજારોમાં બટાકા દોઢથી ત્રણ રૂપિયે કિલો વેચાઇ રહ્યા છે. ખેડૂતો હાલ ફેંકી દેવાના ભાવે બટાકા વેચી રહ્યા છે અને તેમને ભારે નુકસાન થયું હોવાનું આ ભાવથી સ્પષ્ટ થઇ રહ્યું છે. છૂટક વેપારીઓ નાના બટાકા રૂ. ૧૦ અઢી કિલો અને થોડા સારી કવોલિટીના બટાકા ૧૦ના બે કિલોના ભાવે વેચી રહ્યા છે. બટાકાનું વેચાણ કરવું હાલ બજારમાં અઘરૃં થઇ ગયું છે.' ગૃહિણીઓ હાલ શાકભાજીના ભાવોને લઇને ભારે ત્રસ્ત છે. પ્રભાબેન પટેલ નામની ગૃહિણીએ જણાવ્યું હતું કે,'છેલ્લા કેટલા સમયથી કિલોના બદલે ૫૦૦ ડુંગળી ખરીદીને કામ ચલાવી રહ્યા છીએ. બે મહિના થઇ ગયા છે અને ભાવ ઘટવાના નામ લેતા નથી. લીલા શાકભાજીના ભાવના પણ પ્રમાણમાં તેજી છે.'

(11:54 am IST)