Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

ગણદેવીના અભેટાની સીમમાં ચાર વાહનો વચ્ચે ગોઝાર અકસ્માતમાં યુવાનનું ઘટનાસ્થળેજ મોત: 8 મહિલા ઈજાગ્રસ્ત

નવસારી:ગણદેવીનાં અંભેટા ગામની સીમમાં આજે સવારે ચાર વાહનો વચ્ચે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. જેમાં ચીખલી તરફ જતો કારચાલક સામેથી આવતી શેરડી ભરેલી ટ્રકમાં ધડાકાભેર અથડાતા તેનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. આ કારની ટક્કર વાગતા આગળ ચાલતો ટેમ્પો રોડ પર પલટી મારી જતાં તેમાં સવાર ૮ મહિલાઓને નાની-મોટી ઇજા થઇ હતી.

જ્યારે કારને બચાવવા જતાં શેરડીની ટ્રક રોડની નીચે ઉતરી પાંચ ફૂટ ખાડામાં પલટજી મારી ગઇ હતી. આ ઓછું હોય તેમ પાછળથી આવતી સ્વીફ્ટ કારચાલકે બ્રેક મારતા ટાયરબસ્ટ થવાથી કાર રોડ પર ફરી ગઇ હતી!

ગણદેવી તાલુકાના વેગામ તળાવ ફળિયામાં રહેતો દિવ્યેશ છગનભાઇ પટેલ (ઉ.વ. ૩૪) આજે સવારે ૭-૦૦ વાગે ઘરેથી ઇકો મારૃતી કાર (નં. જીજે-૧૫-સીજી- ૫૬૫૮)માં સવાર થઇને પોતાના કામનાં સ્થળે ઉમરગામ જવા માટે નીકળ્યો હતો.

તેણે કારને ગણદેવીનાં વલોટી થઇ અંભેટા માર્ગે ચીખલી હાઇવે જવા વટાવી હતી. કાર અંભેટા ગામની સીમમાંથી પસાર થઇ રહીહતી ત્યારે દિવ્યેશે અન્ય વાહનોને ઓવરટેક કરીને આગળ જવા જતાં અચાનક સામેથી શેરડી ભરીને ગણદેવી શુગરમાં જતી ટ્રક (નં. જીજે-૨૧-ટી- ૩૫૬૩) આવતાં દિવ્યેશની કાર ધડાકાભેર ટ્રકમાં અથડાતા  કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો.

જેમાં દબાઇ જતાં દિવ્યેશનું ઘટનાસ્થળે જ પ્રાણપંખેરૃ ઉડી ગયું હતું. દરમ્યાન તેની કારની ટક્કર લાગતા તેની આગળ ચાલતો ટાટા ટેમ્પો (નં. જીજે-૧૯-વી- ૧૪૯૭) રોડ ઉપર જ પલટી મારી ગયો હતો. જેમાં સવાર  ૮ મહિલાઓને નાની-મોટીઇજા થતાં તેમને નજીકમાં આવેલી આલીપોર હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાઇ હતી.

આ મહિલા બીલીમોરાનાં દેવસર ખાતે આવેલી એ.પી.એમ.સી. માર્કેટમાંથી શાકભાજી ખરીદી ટેમ્પોમાં ભરી ચીખલી તરફ વેચવા લઇ જઇ રહી હતી. શેરડી ભરેલા ટ્રકના ચાલકે જોયું કે, ઇકો કાર ઓવરટેક કરીને પુરપાટ ઝડપે આવી રહી છે.

તેને બચાવવાની લ્હાયમાં ટ્રકને સાઇડ પર લેવા જતાં શેરડીથી ભરેલી ટ્રક અકસ્માત થવા સાથે જ રોડની બાજુમાં આવેલા પાંચ ફૂટ ઉંડા ખાડામાં પલટી ગઇ હતી. આ અકસ્માતને પગલે ચીખલી હાઇવે તરફ જતી મારૃતી સ્વીફ્ટ કાર (નં. જીજે-૨૧-બીઇ- ૩૫૨૮)નાં ચાલકે પોતાનીપૂરપાટ ઝડપથી આવતી કારને બ્રેક મારતાં  તેનું ટાયર બસ્ટ થવાથી કાર રસ્તા પર ફરી ગઇ હતી.

જો કે, તેને અકસ્માત થતો રહી ગયો હતો. આ કારનો ચાલક સેલવાસની કોટેજ હોસ્પિટલનો ડો. સુનીલ જાગીર હતો. અકસ્માત સર્જાતા આસપાસના રહીશો દોડી આવ્યા હતા. બનાવ અંગે ડો. સુનીલે બીલીમોરા પોલીસમાં ફરિયાદ આપતાં પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

(5:19 pm IST)