Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

ATMમાંથી નાણા ઉપાડી પૈસા નહીં મળ્યાની રાવ !! અનોખી છેતરપીંડી

એકસીસ બેન્કના એટીએમમાંથી અન્ય બેંકના એટીએમ કાર્ડથી નાણા ઉપાડયા પણ ટ્રાન્ઝેકશન એન્ટ્રી ન થઈ !!

અમદાવાદ :. અમદાવાદમાં એક યુવકે એકિસસ બેન્ક સાથે છેતરપીંડી કરી હોવાની ફરીયાદ નોંધાઈ છે. બેન્કના એટીએમમાંથી પૈસા ઉપાડયા બાદ એટીએમમાંથી પૈસા નીકળ્યા હોવાની ફરીયાદ બેન્કમાં કરીને બેન્કમાંથી પૈસા પરત મેળવી લઈ બેન્ક સાથે છેતરપીંડી કરી હોવાની ફરીયાદ અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંચમાં દાખલ કરાઈ છે. બેન્ક સાથે આ રીતે છેતરપીંડી કરી હોવાનો પ્રથમ કિસ્સો અમદાવાદમાં બહાર આવ્યો છે.

જાણવા મળતી વિગત મુજબ અમદાવાદના નારોલ વિસ્તારમાં સ્થિત એકસીસ બેન્કના એટીએમમાંતી ગત ૨૬ ડીસેમ્બરના રોજ એસબીઆઈ તરફથી એકસીસ બેન્કની એટીએમની હેડ ઓફિસ મુંબઈ ખાતે ૨૮મીએ ડિસ્પ્યુટેડ નાણા અંગેની ફરીયાદ મળી હતી. એકસીસ બેન્કની હેડ ઓફિસ દ્વારા નહીં ઉપડેલા રૂ. ૧૦ હજાર એસબીઆઈને પરત આપી દેવામાં આવ્યા હતા. પરંતુ થોડા દિવસ બાદ મુંબઈની એકસીસ બેન્કની હેડ ઓફિસ દ્વારા અમદાવાદની મુખ્ય બ્રાન્ચ ખાતે ઈ-મેઈલ આવ્યો હતો કે કોઈ અજાણી વ્યકિતએ એટીએમમાંથી રૂ. ૧૦ હજાર ઉપાડયા હતા, પરંતુ બેન્કમાં પૈસા ન ઉપડયા હોવાની ફરીયાદ કરવામાં આવી છે. આ અંગે અમદાવાદની મુખ્ય બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવતા નારોલ વિસ્તારમાંથી ૨૬મી ડિસેમ્બરના રોજ એસબીઆઈના એટીએમ દ્વારા જે વ્યકિતએ રૂ. ૧૦ હજાર ઉપાડયા હતા. તેમા ટ્રાન્જેકશન એટીએમમાં નથી બતાવ્યું. કોઈ અજાણી વ્યકિતએ તે અન્ય બેન્કના એટીએમ વડે એકસીસ બેન્કના એટીએમમાં કોઈ છેડછાડ કરી ટ્રાન્જેકશનની એન્ટ્રી ન થાય તે રીતે પૈસા ઉપાડયા હતા. જે અંગે સાયબર ક્રાઈમમાં ફરીયાદ નોંધાઈ છે.

(3:49 pm IST)