Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

ઇઝરાઇલના વડાપ્રધાનના આતિથ્યના નામે કરોડોનો ખર્ચ : ગુજરાતને શું ફાયદો થયો તે જાહેર કરો

કોંગ્રેસની સરકાર વખતે રોડ શો નહિ, વિકાસ જ થતો : હિમાંશુ પટેલ

અમદાવાદ, તા. ૧૮ : ગૌરવવંતી પરંપરા પ્રમાણે ઇઝરાયેલના વડાપ્રધાનની મહેમાનગતિ આવકાર્ય છે, પરંતુ આતિથ્યના નામે માત્ર શો બાજી કરી કરોડો રૂપિયાનું આંધણ કરનાર રાજય સરકારે પ્રજાના પૈસે કરાયેલા બેફામ જસલામાં વિદેશી રોકાણ અને કરારોથી રાજયની જનતાને ખરેખર થયેલ લાભો અંગેની વિગતો પણ જાહેર કરવી જોઇએ તેમ પ્રદેશ કોંગ્રેસના પ્રવકતા ડો. હિમાંશુ પટેલે જણાવ્યું છે કે, ઇઝરાગયેલના વડાપ્રધાન માટે ગુજરાતનું ગૌરવશાળી આતિથ્ય આવકારદાયક છે. પરંતુ માત્ર મહેમાન-ગતિના નામે કરોડો રૂપિયા વેડફી ભાજપ સરકાર 'ઘરના છોકરા ઘંટી ચાટે..' તેવો ઘાટ ના ઘડવો જોઇએ. ભૂતકાળમાં કોંગ્રેસ સરકારે કોઇપણ પ્રકારના દેખાડા કે શો બાજી કરવાના બદલે વિકાસલક્ષી રોકાણો લાવેલા છે. જયારે ભાજપ સરકાર દ્વારા પ્રજાના હિતને અવગણીને માત્ર એક જ વ્યકિતને કેન્દ્રમાં રાખી ગ્લોબ પ્રચાર-પ્રસાર કરી પ્રજાના પૈસે જલસા કરવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં એકતરફ માથાદીઠ દેવું છેલ્લા બે દશકામાં વધીને રૂપિયા ત્રણ લાખ જેટલુ થઇ ગયું છે ત્યારે સાત-સાત વાયબ્રન્ટ ઉત્સવો ઉજવવાથી લઇ નીચ કે ઇઝરાયેલના વડાપ્રધાનોની મુલાકાતોમાં અબજો રૂપિયાનું રોકાણ થયું હોવાના દાવા કરવામાં આવે છે.

ડો. હિમાંશુ પટેલે વધુમાં જણાવ્યું છે કે, જયારે વાસ્તવિકતા અલગ જ હોવા છતાં માંડ માંડ જીતેલી ભાજપ સરકારને અત્યારે સત્તાની ભાગ-બટાઇમાં પ્રજા દેખાતી જ નથી. લોકસભાની આગામી ચૂંટણીઓ સુધી પ્રજાની લાગણીઓને ઉત્સવોમાં દબાવી દેવા માંગતાી સરકારે યુવાનોને રોજગારી આપવાનું સૌપ્રથમ વિચારવું જોઇએ. ભાજપે વાયબ્રન્ટ તેમજ ચીનથી લઇ ઇઝરાયેલના વડાપ્રધાનોની મુલાકાતોમાં ખરેખર કેટલા રૂપિયાનું રોકાણ કર્યું અને કેટલા લોકોને રોજગારી આપી તેની વિગતો જાહેર કરવી જોઇએ.

(3:39 pm IST)