Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

નરેન્દ્રભાઇ - નેતન્યાહુના રોડ શોને કારણે અનેક લોકો ફલાઇટ ચૂકી ગયા

પાંચ-પાંચ કિલોમીટર ચાલવું પડયુઃ એરપોર્ટ પર બેસી રહેવું પડયું

અમદાવાદ તા. ૧૮ :શહેરમાં પધારેલા VVIPઓના સિકયોરિટી પ્રોટોકોલને કારણે શહેરના સામાન્ય લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેમાં એરપોર્ટ પર હવાઈયાત્રા કરવા પહોંચેલા યાત્રીઓ પણ બાકાત નથી. કેટલાંય યાત્રીઓની સવારની ફલાઈટ મિસ થઈ ગઈ હતી જયારે બીજા કેટલાંક યાત્રીઓએ એરપોર્ટ સુધી કેટલાંક કિલોમીટર પોતાના ભારે સામાન સાથે ચાલીને જવાની ફરજ પી હતી.

નરેન્દ્રભાઇ-નેતાન્યાહુના આઠ કિલોમીટરના સાબરમતી આશ્રમથી એરપોર્ટના રોડ શો દરમિયાન ભારે સિકયોરિટી બંદોબસ્ત કરવામાં આવ્યો હતો. આ રૂટ પર વાહનોની આવનજાવન પર પણ પ્રતિબંધ મૂકી દેવાયો હતો. એરપોર્ટ જતા મોટાભાગના મુખ્ય રસ્તાઓ સવારે ૧૦.૩૦થી ૧ વાગ્યા સુધી બ્લોક કરી દેવાયા હતા જયારે ટ્રાફિક સરદારનગર ડાઈવર્ટ કરી દેવાયો હતો.

કેટલાંય પેસેન્જર્સ જેમની ફલાઈટ સવારે શિડ્યુલ હતી તેમને પાંચ કિલોમીટર સુધી ચાલીને જવુ પડ્યુ હતુ કારણ કે હાંસોલ અને શાહીબાગ ડફનાળા વચ્ચે વાહનોની આવનજાવન બંધ કરી દેવામાં આવી હતી. જે લોકોને રિક્ષા-ટેકસી મળી ગઈ અને સ્થાનિક રસ્તાઓ ખબર હતી તેમને સરદારનગર સુધી પહોંચવામાં વાંધો નહતો આવ્યો પરંતુ તેમણે પણ એક કિલોમીટર જેટલુ તો ચાલવુ જ પડ્યુ હતુ.

જે યાત્રીઓ એરપોર્ટ પર સવારે ૯ વાગ્યે ઉતર્યા હતા તેમણે ૧૧ વાગ્યા સુધી એરપોર્ટ પર માખી મારતા બેસી રહેવુ પડ્યું હતું કારણ કે આટલા કલાક સુધી કોઈ કેબ કે પ્રાઈવેટ ટેકસી ઉપલબ્ધ નહતા. કોર્પોરેશન દ્વારા અપાતી બસની સુવિધા પણ સવારે ૧૦.૩૦થી ૧ વાગ્યા સુધી બંધ કરી દેવાઈ હતી જેને કારણે અનેક લોકોને પોતાની કોર્પોરેટ મીટીંગ્સ અને બીજા શિડ્યુલ કેન્સલ કરવા પડ્યા હતા અને એરપોર્ટ પર બેઠા રહેવુ પડ્યુ હતુ.

હૈદ્રાબાદના સુકેશ રેડ્ડી પોતાના સિરામિક શો રૂમ માટે પ્રોડકટ સિલેકટ કરવા માટે મોરબી આવ્યા હતા. તેમણે બુધવારે સવારે હૈદ્રાબાદ પહોંચવાનું હતુ પરંતુ તેમની ફલાઈટ મિસ થઈ ગઈ. તેઓ જણાવે છે, 'હું ફલાઈટ પકડવા માટે વહેલી સવારે અમદાવાદથી રાજકોટ આવી ગયો હતો. મેં એરપોર્ટથી બસ સર્વિસ લીધી પણ મને ડફનાળા ઉતારી દેવાયો. હું પાંચ કિલોમીટર ચાલીને એરપોર્ટ પહોંચ્યો છતાંય મારી ફલાઈટ મિસ થઈ ગઈ. મારે હૈદ્રાબાદની સાંજની ફલાઈટ બુક કરાવવી પડે જેના માટે મારે વધારાના ૬૦૦૦ રૂપિયા ખર્ચવા પડ્યા.'

યાત્રીઓની હાલાકીમાં વધારો થવાનું કારણ એ છે કે ઈન્દિરા બ્રિજ ચાર રસ્તાથી એરપોર્ટનો રસ્તો પણ વાહનો માટે બંધ કરી દેવાયો હતો અને આ વાતની જાણ ટ્રાફિક એડવાઈઝરીમાં કરવામાં આવી નહતી. ડોમેસ્ટિક ટર્મિનલના સૂત્રોના જણાવ્યા અનુસાર, 'મારી પાસે ચારથી વધુ યાત્રીઓ ફલાઈટ મિસ થવાની ફરિયાદ લઈને આવ્યા હતા. આવા તો બીજા અનેક યાત્રીઓ હોઈ શકે છે.' એરપોર્ટ ડિરેકટર મનોજ ગંગલે સ્વીકાર્યું કે VVIP મૂવમેન્ટને કારણે ફલાઈટ્સ મોડી પડી નહતી.

VVIP રોડ શોને કારણે મુશ્કેલીનો સામનો કરનારા લોકોમાં કેટલાંક તો એવા પણ હતા જેમને શારીરિક તકલીફ છતાંય ચાલવાની ફરજ પડી હતી. ૬૩ વર્ષની અમેલિયા મીનેઝીસે જણાવ્યું કે તેણે લંડનથી આવતા દીકરી-જમાઈને મળવા માટે ઘૂંટણની તકલીફ હોવા છતાંય એક કિલોમીટર ચાલવુ પડ્યુ હતુ. તેઓ જણાવે છે, 'રોડબ્લોક અને ડાઈવર્ઝનને કારણે હું ઘરેથી વહેલી નીકળી ગઈ પણ હાંસોલ સર્કલથી રસ્તા બ્લોક કરી દેવાયા હતા. અમે સાંકડી ગલીઓમાંથી જેમ તેમ સરદારનગર પહોંચ્યા. ત્યાંથી મારે એક કિલોમીટર ચાલવુ પડ્યુ. તેઓ અહીં લગ્નની વિધિ મો આવ્યા છે પરંતુ તેમને એરપોર્ટ પર કલાકો સુધી રાહ જોવી પડી હતી. હવેતેઓ ગુરુવારે ગોવા જાય છે. શિડ્યુલ ખોરવાતા અમારી પાસે હવે ઘણો ઓછો સમય બાકી રહ્યો છે.'

બધો જ ટ્રાફિક સરદારનગર ડાઈવર્ટ થતા સરદારનગરની સાંકડી ગલીઓમાં ટેકસી રિક્ષાનો ચક્કાજામ થઈ ગયો હતો. હૈદ્રાબાદના ટેકસટાઈલ બિઝનેસમેન પવન કુમાર પોતાનો ગુસ્સો વ્યકત કરતા કહે છે, 'હૈદ્રાબાદનું ઈન્ફ્રાસ્ટ્રકચર ઘણુ સારુ છે. ઈવાન્કા ટ્રમ્પે તાજેતરમાં શહેરની મુલાકાત લીધી ત્યારે આવી કોઈ તકલીફ નહતી થઈ. સ્થાનિક સત્તાધીશોએ સામાન્ય લોકોને તકલીફ ન પડે તે રીતે આવી ઈવેન્ટ્સ ગોઠવવી જોઈએ. અહીં વ્યવસ્થા સાવ ખાડે ગયેલી છે.'

જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ (JCP ટ્રાફિક) સુધીર દેસાઈ જણાવે છે, 'જે રસ્તાઓનો નોટિફિકેશનમાં ઉલ્લેખ નથી કર્યો તે તો કાફલો પસાર થયો તેટલા જ સમય માટે બ્લોક કરવામાં આવ્યો હતો. અમે શહેરીજનોને તેના વૈકલ્પિક રૂટ અંગે પણ જાણ કરી હતી.' રોડ શો પછી વડાપ્રધાન એરપોર્ટ ગયા ત્યાર બાદ JCPને અપાયેલી કાર ટર્મિનલ બિલ્ડિંગમાં ૧૨.૩૦ વાગ્યા આસપાસ પહોંચી હતી. જેસીપીએ ડ્રાઈવરને એરપોર્ટ પર ચાલીને જતા લોકો ફલાઈટ મિસ ન કરે તે માટે એરપોર્ટ સુધી મૂકી આપવાની સૂચના આપી હતી. સરદાર ચોકથી ટર્મિનલ વચ્ચે પોલીસની કેટલીક કાર્સે યાત્રીઓને સમયસર એરપોર્ટ પહોંચવામાં મદદ કરી હતી.

(10:06 am IST)