Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2024

ગુજરાતમાં પ્રચાર માટે આવશે રાહુલ ગાંધી અને પ્રિયંકા

ગુજરાતમાં ચૂંટણી પ્રચારનો ધમધમાટ શરૃઃરાજકોટમાં કનૈયા કુમાર અને અલકા લાંબાને પ્રચાર માટે મેદાનમાં ઉતારવામા આવશે

ગાંધીનગર, તા.૨૫

ગુજરાતમાં ચૂંટણી પ્રચારનો ધમધમાટ શરૃ થઇ  ગયો છે. આગામી દિવસોમાં રાષ્ટ્રીય નેતાઓ પણ ગુજરાતમાં ધામા નાખશે .હાલ મુખ્ય રાજકીય પક્ષ ભાજપ અને કોંગ્રેસ તેના મતદારોને રીઝવવા માટે મતદાન પૂર્વેના એક સપ્તાહ દરમિયાન કાર્પેટ બોમ્બાર્ડીગ શરૃ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના સ્થાપના દિવસે પ્રવાસ કાર્યક્રમનો પ્રારંભ કરશે તો રાહુલ ગાંધી તે પૂર્વે ૨૯મીએ પાટણમાં, પ્રિયંકા ગાંધી ૨૭ મીએ ધરમપુરમાં જાહેર સભા ગજવશે. કોંગ્રેસના નેતાઓ ૨૬ એપ્રિલથી ૫ મે સુધી ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરશે. તો રાજકોટની હાઈ પ્રોફાઈલ બેઠક પર કનૈયા કુમાર અને અલકા લાંબાને પ્રચાર માટે મેદાનમાં ઉતારવામા આવશે

ગુજરાતમાં ૭મી મેના રોજ મતદાન થવાનું છે પરંતુ ચૂંટણી પ્રચારનો ગરમાવો જોવા મળતો નથી. આકરાં તાપને કારણે રાજકીય પાર્ટીઓ મોટા કાર્યક્રમોના સ્થાને નાના ગૃપમાં, જ્ઞાતિ-જાતિના સમૂહો વચ્ચે પ્રચાર કરી રહ્યા છે. પરંતુ મતદારોમાં ઉત્સાહ જોવા મળતો નથી. ત્યારે કોંગ્રેસના મોવળીમંડળે ગુજરાતમાં મતદારોને આકર્ષવા માટે રાહુલ અને પ્રિયંકા ગાંધી ઉપરાંત કોંગ્રેસના વર્તમાન અને પૂર્વ મુખ્યમંત્રીઓ, સ્ટાર પ્રચારકો સાથે ગુજરાતને ઘમરોળી એક પછી એક સભા ગજાવીને મતદારોના મતો અંકે કરવાનું આયોજન કર્યું છે. કેન્દ્રીય નેતાઓની સભાની સાથોસાથ યુવા વર્ગને આકર્ષવા માટે મહિલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષા અલકા લાંબા અને કનૈયાકુમારને પણ બનાસકાંઠા અને રાજકોટ બેઠક પર પ્રચારમાં ઉતારાશે.

સમય બાકી છે ત્યારે આગામી ૨૬ એપ્રિલથી ૫ સુધી કોંગ્રેસના દેશભરના નેતાઓ ગુજરાતમાં ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર કરશે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી ૨૯મી એપ્રિલે પાટણમાં જ્યારે પ્રિયંકા ગાંધી ૨૭ એપ્રિલે વલસાડના ધરમપુર ખાતે જાહેરસભાને સંબોધીને ગુજરાતમાં ચૂંટણી પ્રચારનો બ્યૂગલ ફૂંકશે. પ્રથમ તબક્કામાં પાટણ અને ધરમપુરમાં સભા બાદ ફરીથી બંને નેતાની વધુ સભા યોજવાનું પણ આયોજન થઈ રહયુ છે.કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પહેલી મેની આસપાસ ગુજરાતમાં ચાર દિવસનું રોકાણ કરીને ચારેય ઝોનમાં એક એક સભા સંબોધે તેવું આયોજન થઈ રહ્યું છે. કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતના આગમન પહેલા રાષ્ટ્રીય મહામંત્રી અને ગુજરાતના પ્રભારી મુકુલવાસનિક ગુજરાતમાં ડેરા તંબુ તાણીને પ્રદેશના નેતાઓ સાથે કેન્દ્રીય નેતાઓની સભાના સ્થળ સહિતના આયોજન પર સીધી દેખરેખ રાખશે.

(9:32 pm IST)