Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2024

પંચમહાલ જિલ્લામાં તંત્ર દ્વારા મતદાન જાગૃતિ માટે 7 ટકા ડિસ્‍કાઉન્‍ટ આપવાની ઓફર

ગોધરા શહેરના 704 વેપારીઓએ સમર્થન આપ્‍યુ

પંચમહાલ: આગામી લોકસભાની ચૂંટણીમાં તમામ મતદારો વધુ મતદાન કરે એ માટે પંચમહાલ જિલ્લામાં તંત્ર દ્વારા અનેક માધ્યમ થકી પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.જેના ભાગરૂપે જિલ્લાના વેપારી એસોસિએશન સાથે બેઠક યોજી વિવિધ ઉત્પાદનો અને સેવાઓમાં વિશેષ 7% અવસર ડિસ્કાઉન્ટ આપવાની સરાહનીય જાહેરાત કરવામાં આવી છે.

પંચમહાલ જિલ્લાના મેડીકલ એસોસિએશન, સહિત વિવિધ વેપારી મંડળોના માધ્યમથી મતદાનના દિવસે અવસર ડિસ્કાઉન્ટ આપવા અંગે જિલ્લા કલેકટરે એક બેઠક યોજી અપીલ કરી હતી. જેને વેપારી એસોસિયેશન દ્વારા સ્વીકારી મતદાનના દિવસે સાત ટકા ડિસ્કાઉન્ટ મતદાન કર્યા અંગેની નિશાની બતાવનારને આપવાની જાહેરાત કરવામાં આવી છે. આગામી 7 મેના રોજ મતદાન થવાનું હોઈ વિશેષ 7% અવસર ડિસ્કાઉન્ટનો લાભ આપવાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ગોધરા શહેરના 704 વેપારીઓએ પોતાનું સમર્થન જાહેર કર્યુ છે. ઉલ્લેખનીય છે કે મતદાન સાત મેના રોજ હોવાથી ડિસ્કાઉન્ટની ટકાવારી પણ સાત ટકા રાખવામાં આવી છે.

પંચમહાલ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર આશિષ કુમારના અધ્યક્ષ સ્થાને પંચમહાલ જિલ્લાના જુદા જુદા વેપારી એસોસિએશનની બેઠકનું આયોજન કરાયું હતું. આ બેઠકમાં કલેકટરે આગામી લોકસભા ચૂંટણી 7મે 2024ના રોજ મતદારો વધુમાં વધુ મતદાન કરે એ માટે વેપારી એસોસિએશનના ઉપસ્થિતીઓને અવસર ડિસ્કાઉન્ટ આપવા અંગે વિચારણા કરવા અપીલ કરી હતી. જિલ્લા કલેકટરની આ અપીલને વિવિધ વેપારી એસોસિયેશન દ્વારા સ્વીકારી 7મેના દિવસે જે મતદારો મતદાન કર્યા બાદ મતદાનની નિશાની બતાવીને ખરીદી કરશે તો વેપારી એસોસિએશન તરફથી સાત ટકા ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરવામાં આવી છે.

જેમાં કેમિસ્ટ એસોસિએશન તરફથી સાત ટકા ડિસ્કાઉન્ટ, જ્વેલર્સ એસોસિએશન તરફથી મેકિંગ ચાર્જમાં 7% ડિસ્કાઉન્ટ ટુ વ્હીલર્સ એસોસિએશન તરફથી મતદાન કર્યાની નિશાની દેખાય ત્યાં સુધી સાત ટકા ડિસ્કાઉન્ટ, શહેરા ડોક્ટર એસોસિએશન તરફથી સાત તારીખે કન્સલ્ટિંગ ફી નહિં લેવા બાબતનું ડિસ્કાઉન્ટ, વાસણ એસોસિએશન હાલોલ તરફથી સાત ડિસ્કાઉન્ટ, હોટલ નીલકંઠ એસોસિએશન તરફથી સાત ટકા ડિસ્કાઉન્ટ, બંસલ સુપર માર્કેટ તરફથી 7% ડિસ્કાઉન્ટ, વેપારી એસોસિએશન નગરપાલિકા ગોધરાની કુલ 704 દુકાનોમાં પણ 7% ડિસ્કાઉન્ટ, મીઠાઈ ફરસાણ એસોસિએશન ગોધરા તરફથી એક હજાર રૂપિયાની ખરીદી ઉપર સાત ટકા ડિસ્કાઉન્ટ તેમજ અન્ય એસોસિએશનના હોદ્દેદારો તરફથી ચર્ચા કર્યા બાદ જુદા જુદા ડિસ્કાઉન્ટની જાહેરાત કરવામાં આવશે એમ જણાવવામાં આવ્યું છે.

7મે ના રોજ મતદાન હોવાથી 7% ડિસ્કાઉન્ટની તમામ વેપારી એસોસિએશનની જાહેરાત કરી મતદારોને મતદાન કરવા અવસર ડિસ્કાઉન્ટની જાહેરાત કરી સહભાગી બન્યા છે.

(4:50 pm IST)