Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2024

અનૈતિક વેપાર અધિનિયમમાં ગ્રાહકને આરોપી તરીકે દર્શાવી શકાય નહીં

સેશન્‍સ કોર્ટે ગ્રાહકને કેસમાંથી બિનતોહમત છોડી મૂકવા આદેશ કર્યો

અમદાવાદ,તા. ૨૫: શહેર ક્રાઇમ બ્રાન્‍ચે ૨૦૦૯માં ઇમોરલ ટ્રાફિક એક્‍ટ મુજબ ચાર સામે કેસ કર્યો હતો. જેમાં એક ગ્રાહકને પણ આરોપી તરીકે દર્શાવવામાં આવ્‍યો હતો. જેથી ગ્રાહકે સેશન્‍સ કોર્ટમાં ડિસ્‍ચાર્જ અરજી (કેસમાંથી બિન તોહમત છોડી મૂકવા) કરી હતી. જે અરજી એડિશનલ સેશન્‍સ જજ એચ. એ. ઠક્કરે ગ્રાહ્ય રાખી છે. આ સાથે જ કોર્ટે ચુકાદામાં મહત્ત્વપૂર્ણ અવલોકન કર્યું હતું કે, વડી અદાલતના ચુકાદા ધ્‍યાને લેવામાં આવે તો, અનૈતિક વેપાર(નિવારણ) અધિનિયમ ૧૯૫૬દ્ગક કલમ ૩,૪,૫,૭,૯ મુજબની કલમો ગ્રાહકના કિસ્‍સામાં લાગુ પડતી નથી. ત્‍યારે અનૈતિક વેપાર અધિનિયમમાં ગ્રાહકને આરોપી તરીકે દર્શાવી શકાય નહીં.

ક્રાઇમ બ્રાન્‍ચે વર્ષ ૨૦૦૯માં રેડ કરી અનૈતિક વેપાર ધારાની(ઇમોરલ ટ્રાફિક એક્‍ટ) જુદી જુદી કલમ મુજબ રાજવીન્‍દર કોર ઉર્ફે સોનુ જોગેન્‍દરસિંઘ, પ્રભુ વેણુગોપાલ, અહવીન દયાલ સિંધી અને વિપુલ કેશુભાઇ ટાંક (સોની) સામે કેસ કર્યો હતો. ત્‍યારબાદ પોલીસે મેટ્રોકોર્ટમાં ચાર્જશીટ કરી હતી અને સેશન્‍સ ટ્રાયેબલ ગુનો હોવાથી કેસ સેશન્‍સ કોર્ટમાં કમિટ કરવામાં આવ્‍યો હતો. આ દરમિયાન ગ્રાહક વિપુલ ટાંકે ડિસ્‍ચાર્જ અરજી કરી હતી. જેમાં એડવોકેટ સી.બી.રાવલે એવી રજૂઆત કરી હતી કે, વિપુલને પોલીસે ગ્રાહક તરીકે દર્શાવ્‍યો છે જેથી તેની સામે ધી ઇમોરલ ટ્રાફિકિંગ એક્‍ટની જુદી જુદી કલમ મુજબ ચાર્જફ્રેમ થઇ શકે નહીં, વિપુલ સામે કોઇ સાંયોગિક કે મેડિકલનો પુરાવો પણ નથી, તેણે યુવતી સાથે શરીર સંબંધ બાંધ્‍યાનો આક્ષેપ છે પરંતુ યુવતીનું નિવેદન જોતા કોઇ શરીર સંબંધ બાંધવામાં આવ્‍યો નથી તેથી તેની સામે કોઇ જ ગુનો બનતો નથી, જેથી વિપુલ સામે કોઇ જ કાર્યવાહી કે ચાર્જફ્રેમ થઇ શકે નહીં કોર્ટે તેને બિનતોહમત (ડિસ્‍ચાર્જ) છોડી મૂકવો જોઇએ.તેમ નવગુજરાત સમય જણાવે છે.

આવી રજૂઆત બાદ કોર્ટે આરોપીને બિનતોહમત છોડી મૂકવા આદેશ કર્યો છે. નોંધનીય છે કે, કોર્ટે તો યોગ્‍ય ન્‍યાય કર્યો છે પરંતુ પોલીસની એક ખોટી કાર્યવાહીને કારણે યુવકને ૨૦૦૯થી ૨૦૨૪ સુધી જુદી જુદી જગ્‍યાએ કોર્ટના ધક્કા ખાવા પડ્‍યા છે.

ફરિયાદ જોતા આરોપીએ મહિલા સાથે શરીર સંબંધ બાંધ્‍યો છે. પરંતુ મહિલાનું નિવેદન જોતા તણે જણાવ્‍યું છે કે, મને યુવક સાથે રૂમ નં. ૨૦૯માં જવાનું કહ્યું હતું અને અમે બન્ને રૂમમાં બેઠા હતા. ત્‍યારે કોઇએ દરવાજો ખખડાવ્‍યો હતો. પરંતુ શરીર સબંધ બાંધ્‍યો ન હતો. આમ આરોપી સામે અનૈતિક વેપાર ધારાની કલમ મુજબ કોઇ જ પુરાવો મળતો નથી. ત્‍યારે કેસમાંથી ડિસ્‍ચાર્જ કરવો ન્‍યાયના હિતમાં જરૂરી છે.

(10:08 am IST)