Gujarati News

Gujarati News

News of Sunday, 28th February 2021

કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે વિરમગામમાં મતદાન કર્યુ : કોંગ્રેસમાં હોવા છતાં કોંગ્રેસને મત ન આપી શકયા

વિરમગામમાં કોંગ્રેસના ઉમેદવાર જ ઉભા નહોતા રહ્યા

અમદાવાદ: કોંગ્રેસના પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે વિરમગામમાં મતદાન કર્યુ હતું. મતદાન કર્યા બાદ હાર્દિક પટેલે લોકોને વધુમાં વધુ મતદાન કરવાની અપીલ કરી હતી. હાર્દિક પટેલે કહ્યુ કે, લોકશાહીને મજબૂત કરવા માટે મતદાન કર્યુ છે.

વિરમગામ નગરપાલિકા માટે મતદાન કર્યા બાદ મત આપવાની અપીલ કરતા કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ હાર્દિક પટેલે કહ્યુ કે, “લોકશાહીના પર્વને મજબૂત કરવા માટે, પ્રજાતંત્રને મજબૂત કરવા માટે આજે મારા મતાધિકારનો ઉપયોગ કર્યો છે. મારા વતનમાં મત આપીને પ્રજાતંત્ર મજબૂત થાય, લોકતંત્રને મજબૂતી મળે તેના માટે દરેક ગુજરાતીને અપીલ કરૂ છું કે સૌ લોકો પોતાના મતનો ઉપયોગ કરે અને મતનું દાન કરે. સમગ્ર ગુજરાતની જનતા, જે દિવસેને દિવસે મતદાન ઘટી રહ્યુ છે તેમાં અવેરનેસ લાવવા માટે હું સૌ ગુજરાતીઓને વિનંતી કરૂ છું કે આપ સમયસર મત આપજો અને લોકશાહીને મજબૂત કરજો.”

હાર્દિક પટેલને જ્યારે પૂછવામાં આવ્યુ કે તમે જ્યા મતદાન કર્યુ તો તમે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હોવા છતા કોંગ્રેસને મત ના આપી શક્યા, જેના જવાબમાં કહ્યુ કે, “અમારા વિસ્તારની અંદર સ્વાભાવિક રીતે અપક્ષ ઉમેદવારો લડતા હોય છે અને આ વખતે નહી પણ વર્ષોથી આ પરિસ્થિતિ ચાલતી આવી છે. જે પણ ઉમેદવાર છે તે કોંગ્રેસ પ્રેરિત છે અને કોંગ્રેસ સાથે જોડાયેલા છે. જે પણ લડશે તે વિરમગાનના વિકાસ માટે, વિરમગામના રોડ રસ્તા અને ગટરની પરેશાનીને દૂર કરવા માટે લડશે. આપ સૌ જાણો છો કે વિરમગામ માત્ર એક ગામ નથી પણ સમગ્ર ગુજરાતની અંદર ઐતિહાસીક સ્થળ છે, પછી તે મુનસર તળાવ હોય કે વિરમગામની આજુબાજુનો કિલ્લો હોય. આ બધા મુદ્દાને લઇને અમે સારૂ કામ કરીશું. મહત્વની વાત ભાજપ-કોંગ્રેસ કરતા જનતાની સેવા કરનારને ચૂંટીને વિરમગામ નગરપાલિકામાં મોકલવાનો અમારો હેતુ છે.વિરમગામની અંદર ઘણા અપક્ષ ઉમેદવારો લડતા હોય છે અને અમે ટેકો જાહેર કરતા હોઇએ છીએ.”

હાર્દિક પટેલને પાર્ટીએ સભા કરવા માટે વધુ સમય ફાળવ્યો નહતો અને જેને કારણે તે વધુ સભા કરી શક્યા નહતા. આ મામલે નારાજગી વ્યક્ત કરતા હાર્દિક પટેલે કહ્યુ કે, “મે મારી જાત મહેનત ગુજરાતના લોકોના હિતો માટે કરી છે. નાની મોટી પરેશાની હશે, ઇશ્યૂ હશે તે મારા ઘરની સમસ્યા છે, તે મારા ઘરની સમસ્યાને ઘરમાં બેસીને સુલજાવી દઇશ. મોટો પરિવાર હોય ત્યા નાની મોટી પરેશાનીનો સામનો કરવો પડતો હોય છે સ્વાભાવિક રીતે ઘરની વાત છે તો ઘરમાં પતિ જશે તેનો મને પુરો વિશ્વાસ છે.”

(4:08 pm IST)