Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

વાલીઓ સામે આચાર્ય ધૂણ્યા, છૂટ્ટો ગ્લાસ ફેંક્યો

નરોડાની શાળામાં વાલીઓ માર્કશીટ લેવા ગયા હતા : ફી વધારાનો વિરોધ કરતા પ્રિન્સિપાલે સિકોતર માતાજી આવ્યાનું નાટક કરી વાલીઓ સાથે અણછાજતું વર્તન કર્યું

અમદાવાદ, તા.૨૭ : નરોડા વિસ્તારમાં આવેલી એક સ્કૂલના વિદ્યાર્થીઓ અને વાલીઓ ૧૨ સાયન્સની માર્કશીટ લેવા ગયા હતા ત્યારે સ્કૂલના આચાર્ય અચાનક જ ધૂણવા લાગ્યા હતા. એટલું જ નહીં તેમણે વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે અયોગ્ય વર્તન કર્યું હતું અને પાણીનો ગ્લાસ છૂટ્ટો ફેંક્યો હતો. નરોડાની નવયુગ સ્કૂલ ઓફ સાયન્સના વિદ્યાર્થીઓ અને વાલીઓ સ્કૂલમાં ૧૨ સાયન્સની માર્કશીટ લેવા માટે ગયા હતા. ત્યારે સ્કૂલના પ્રિન્સિપાલે સિકોતર માતાજી આવ્યા હોવાનું નાટક કર્યું હતું અને ધૂણવા લાગ્યા હતા. વિદ્યાર્થીઓએ માર્કશીટ માંગતા તેઓ ઉશ્કેરાઈ ગયા હતા અને વિદ્યાર્થીઓ તથા વાલીઓ સાથે અણછાજતું વર્તન કર્યું હતું. તેમણે વધુ ફીની માંગણી કરી હતી જેનો વાલીઓએ વિરોધ કર્યો હતો. ધૂણવાનું નાટક કરી રહેલા આચાર્યએ પાણી ભરેલા ગ્લાસનો છૂટ્ટો ઘા પણ કર્યો હતો. આ ઘટનાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે.

એક મીડિયા અહેવાલ પ્રમાણે નવયુગ સ્કૂલ ઓફ સાયન્સના વિદ્યાર્થીઓ સ્કૂલમાં માર્કશીટ લેવા માટે ગયા હતા. આ સ્કૂલમાં ૫૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતાં હતા પરંતુ તેમાંથી ફક્ત ૧૨ જ વિદ્યાર્થીઓ પાસ થયા છે. તેથી વિદ્યાર્થીઓ અને વાલીઓ રજૂઆત કરવા માટે સ્કૂલે ગયા હતા. તેમણે સ્કૂલના અભ્યાસ બાબતે અને ફી ઘટાડવા અંગે ઘણા પ્રશ્નો ઉઠાવ્યા હતા. વાલીઓ અને વિદ્યાર્થીઓએ તેમની સાથે આ અંગે ચર્ચા કરી રહ્યા હતા ત્યારે તેમણે તેમની સાથે અયોગ્ય વર્તન કર્યું હતું. પોતાને ફસાઈ ગયા છે તેવું લાગતા જ આચાર્ય ઉશ્કેરાઈ ગયા હતા. બાદમાં તેઓ અચાનક જ ધૂણવા લાગ્યા હતા. ધૂણતા ધૂણતા તેમને સિકોતર માતાજી આવ્યા હોવાનું કહ્યું હતું. આચાર્ય ધૂણવા લાગ્યા હતા ત્યારે સ્કૂલની એક મહિલા કર્મચારીએ તેમને પકડી લીધા હતા અને તેમને શાંત પાડવા માટે પાણી ભરેલો ગ્લાસ આપ્યો હતો. જોકે, પ્રિન્સિપાલે પાણી ભરેલો ગ્લાસ વાલીઓ પર ફેંક્યો હતો.

 

(7:53 pm IST)