Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

કર્માવદ તળાવ ભરવાની માંગ સાથે ખેડૂતોએ જળ આંદોલન છેડ્યું

વડગામના 125 જેટલા ગામોના હજારો ખેડૂતો એકઠા થઈ પાલનપુરમાં મહા રેલી યોજી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી

બનાસકાંઠા : જિલ્લાના વડગામમાં આવેલું કર્માવદ તળાવ ભરવાની માંગ સાથે ખેડૂતોએ જળ આંદોલન છેડ્યું છે. જળ આંદોલન અંતર્ગત આજે વડગામના 125 જેટલા ગામોના હજારો ખેડૂતો એકઠા થઈ પાલનપુરમાં મહા રેલી યોજી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી છે

ચાલુ સાલે બનાસકાંઠા જિલ્લામાં નહિવત વરસાદ નોંધાયો છે. જેને પગલે ભૂગર્ભ જળ ઉંડા ગયા છે અને ખેડૂતોને સિંચાઇ માટેનું પાણી ન મળતા ખેડૂતો હાહાકાર પોકારી ઊઠ્યા છે.

જોકે, જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં પાણીની માંગ સાથે જળ આંદોલનો થઇ રહ્યા છે. સૌપ્રથમ પાલનપુરમાં તે બાદ દિયોદરમાં તો હવે વડગામમાં કર્માવદ તળાવ ભરવાની માંગ સાથે જળ આંદોલન છેડાયું છે.
તે અંતર્ગત આજે પાલનપુરમાં વડગામ તાલુકાના ૧૨૫ ગામોના હજારો ખેડુતોએ મહા રેલી યોજી હતી.

ગામે ગામથી ખેડૂતો ટ્રેક્ટર દ્વારા પાલનપુર પહોંચ્યાં અને પાલનપુરની આદર્શ સ્કૂલમાં ખેડુતોની જનસભા યોજાઈ તે બાદ આદર્શ સ્કુલથી જિલ્લા કલેકટર કચેરી સુધી ખેડૂતોની મહારેલી યોજાઈ.

મોટી સંખ્યામાં ખેડુતો મહારેલીમાં જોડાયા અને મુક્તેશ્વર ડેમ અને કર્માવદ તળાવમાં પાણી ભરવાની માંગ સાથે યોજાયેલી આ મહા રેલી જિલ્લા કલેકટર કચેરી પહોંચતા ખેડૂત આગેવાનોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી કર્માવદ તળાવ માં વહેલી તકે પાણી ભરવા માંગ કરી છે.

જોકે ખેડુતો દ્વારા આજ તો ફક્ત પુરુષ ખેડુતો હજારોની સંખ્યામાં ઉમટી મહારેલી યોજી જિલ્લા કલેકટરને રજુઆત કરી છે તો જિલ્લા કલેક્ટરે પણ રાજ્ય સરકાર દ્વારા આગામી દિવસોમાં ઈરીગેશન વિભાગ સહિતના વિભાગોને સાથે લઈ સર્વે હાથ ધરવાની બાહેંધરી આપી છે

ત્યારે ખેડુતો દ્વારા જો આગામી દિવસોમાં કર્માવદ તળાવમાં પાણી નહીં ભરાય તો આજે જે પ્રમાણે પુરૂષ ખેડૂતોની રેલી યોજાઈ તે પ્રમાણે આગામી દિવસોમાં મહિલા ખેડુતોને પણ સાથે લઈ ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરી રેલી યોજાશે તેવી ચીમકી ઉચ્ચારી છે.

(3:47 pm IST)