Gujarati News

Gujarati News

News of Saturday, 27th January 2018

ગુજરાતના એકપણ IPSને રાષ્ટ્રપતિ મેડલ મળ્યો નહીં

આઇપીએસ લોબી અને સરકાર દ્વારા મથામણ શરૃઃ ગુજરાતમાંથી એક પણ આઇપીએસને રાષ્ટ્રપતિ મેડલનું સન્માન ન મળતાં ચર્ચા શરૂ : આઇપીએસ લોબીનો બચાવ

અમદાવાદ,તા.૨૭, ગુજરાતના કોઇપણ આઇપીએસ અધિકારીને સતત બીજા વર્ષે રાષ્ટ્રપતિ મેડલ નહી મળતાં પોલીસ બેડામાં જોરદાર ચર્ચા ચાલી રહી છે. રાષ્ટ્રપતિ મેડલ માટે ગુજરાતનો કોઇ આઇપીએસ લાયક નહી ઠરતાં આઇપીએસ અધિકારીઓની લોબી માટે પણ આ એક સારી વાત કહી શકાય નહી. દર વર્ષે પ્રજાસત્તાક દિને પોલીસ અધિકારીઓને તેમની વિશિષ્ટ કામગીરી અને ઉત્કૃષ્ઠ ફરજનિષ્ઠા માટે રાષ્ટ્રપતિ મેડલ એનાયત કરવામાં આવતો હોય છે પરંતુ ગુજરાતના આઇપીએસ અધિકારીઓએ સતત બીજા વર્ષે સૌને નિરાશ કર્યા છે. જો ગૃહવિભાગના સૂત્રોનું માનીએ તો, ચાલુ વર્ષે ૧૦ જેટલા આઇપીએસ અધિકારીઓના નામો રાષ્ટ્રપતિ મેડલ માટે કેન્દ્રીય ગૃહમંત્રાલયને મોકલાયા હતા. જો કે, તેમાંથી એેકેયને રાષ્ટ્રપતિ મેડલ અપાયો નથી. સિનિયર પોલીસ અધિકારીઓના બદલે પીએસઆઇ કે તેનાથી પણ નીચલી કેડરના પોલીસ કર્મચારીઓ રાષ્ટ્રપતિ મેડલ મેળવવામાં સફળ રહ્યા પરંતુ ગુજરાતનો એક આઇપીએસ અધિકારી આ સન્માનજનક મેડલ મેળવી ના શકયો. ગૃહવિભાગ દ્વારા કેન્દ્રમાં જે આઇપીએસ અધિકારીઓના નામો મોકલાયા તેમાં નીરજા ગોત્રુ, હસમુખ પટેલ, મનોજ શશીધર, અર્ચના શિવહરે, અનિલ પ્રથમ, રાજકુમાર પાંડિયન, કે.કે.ઓઝા, એ.કે.જાડેજા, અજય ચૌધરી, મયંકસિંહ ચાવડા વગેરેનો સમાવેશ થાય છે. ગુજરાતના આઇપીએસ અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલનું સન્માન પ્રાપ્ત નહી થતાં હવે આ નિષ્ફળતાનું કારણ શોધવામાં આઇપીએસ લોબીની સાથે સાથે રાજય સરકારના ઉચ્ચ પદાધિકારીઓએ પણ કવાયત શરૂ કરી છે.

(9:50 pm IST)