Gujarati News

Gujarati News

News of Saturday, 27th January 2018

સ્વચ્છતા-વ્યસનમુકિતથી ૮૦ ટકા રોગો નાબૂદ થઇ શકે છે

એલજીમાં પ્રજાસત્તાક દિનની અનોખી ઉજવણીઃ એલજી હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડો.રાજેશ શાહે સ્ટાફ, ડોકટરો અને વિદ્યાર્થીઓને જાગૃતિ અંગે પ્રતિજ્ઞા લેવડાવી

અમદાવાદ,તા. ૨૭, શહેરના મણિનગર વિસ્તારમાં આવેલી એલ.જી.હોસ્પિટલમાં ગઇકાલે તા.૨૬મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિનની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. એલ.જી.હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડો.રાજેશ શાહે પ્રાંગણમાં ધ્વજવંદન કર્યા બાદ હોસ્પિટલના સ્ટાફ, ડોકટરો અને વિદ્યાર્થીઓને સ્વચ્છતા-વ્યસનમુક્તિની જાગૃતિ ફેલાવવા અંગે પ્રતિજ્ઞા લેવડાવી હતી. સુપ્રિટેન્ડન્ટ ડો.રાજેશ શાહે આ પ્રસંગે જણાવ્યું હતું કે, સ્વચ્છતા અને વ્યસનમુકિતથી ૮૦ ટકા જેટલા રોગોની નાબૂદી થઇ શકે છે, તેથી સ્વચ્છતા અને વ્યસનમુક્તિના ગુણોને જીવનમાં વણી લેવા જોઇએ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સ્વાસ્થ્ય એ આપણી હોસ્પિટલના સ્વપ્નદ્રષ્ટા અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ શરૂ કરેલા સ્વચ્છતા અભિયાનથી અડધોઅડધ એટલે કે, ૫૦ ટકા રોગોને નાબૂદ કરી શકાય છે. જેથી ચેરિટી બીગીન્સ એટ હોમ એટલે કે, સ્વચ્છતાના આ પવિત્ર સંકલ્પના આપણા ઘર અને આંગણાથી જ જો શરૂઆત કરવામાં આવે તો, શેરી, મહોલ્લો, સોસાયટી, વિસ્તાર, સમાજ, રાજય અને રાષ્ટ્ર સ્વચ્છ અને સુંદર બનશે અને તો સાચા અર્થમાં રાષ્ટ્રમાં ઉત્કૃષ્ટ વિકાસનું નિર્માણ શકય બનશે. આ જ પ્રકારે વ્યસન એ માણસનો શત્રુ છે. શરીરમાં ૩૦ ટકા જેટલો રોગો તો, દારૂ, તમાકુ, સીગારેટ જેવા વ્યસનોના કારણે થતા હોય છે. આ સંજોગોમાં વ્યસનથી દૂર રહેવા અને વ્યસનમુક્તિની જાગૃત સમાજમાં કેળવવી જ રહી. આ માટે આપણે સૌએ વ્યસન કરીશું નહી અને કરવા દઇશું નહી તેવી એક જાગૃતિ ઝુંબેશ ચલાવવી પડશે અને સમાજમાં સૌકોઇ સુધી તેનો લાભ પહોંચાડવો પડશે. આમ, જો સ્વચ્છતા અને વ્યસનમુકિત આ બે ગુણ જીવનમાં વણી લેવામાં આવે તો, ૮૦ ટકા જેટલો રોગોને આપોઆપ જ નાબૂદ કરી શકીએ. એલજીમાં ગણતંત્ર દિનની ઉજવણી સમારોહમાં આરએમઓ ડો.આલાપ શાહ, ડો.શૈલેષ પ્રજાપતિ, ઇન્ચાર્જ મેટ્રન ઇવેન્જલીનાબહેન પટેલ સહિતના ડોકટરો, સ્ટાફ નર્સ, કર્મચારીઓ અને તબીબી શાખાના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. ડો. રાજેશ શાહે કાર્યક્રમમાં સૌકોઇને મતદાન કરવાની રાષ્ટ્રીય ફરજ નિભાવવા પ્રતિજ્ઞા પણ લેવડાવી હતી.

(9:49 pm IST)