Gujarati News

Gujarati News

News of Saturday, 27th January 2018

ઘેલા સોમનાથના શિવલીંગને સતત જળાભિષેકથી નુકસાન

વર્ગ-૧ના અધિકારીએ વડાપ્રધાનને રજૂઆત કરીઃ અધિકારીએ સ્વખર્ચે દિલ્હીથી ભૂસ્તર શાસ્ત્રીને બોલાવી ઐતિહાસિક શિવલીંગની તપાસ માટે ઇચ્છા વ્યકત કરી

અમદાવાદ,તા. ૨૭, જસદણ તાલુકાના ડુંગરની ગાળીઓમાં આવેલું પ્રાચીન ઘેલા સોમનાથ મહાદેવ મંદિરમાં સતત જળાભિષેકથી શિવલિંગને નુકસાન થઇ રહ્યું હોવાની ભીતિ કલાસવન ઓફિસરે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર પાઠવી વ્યકત કરતાં મામલો ચર્ચાની એરણે ચઢયો છે. નોંધનીય છે કે, થોડા સમય પહેલાં જ સુપ્રીમકોર્ટ દ્વારા ઉજ્જૈનના મહાકાલેશ્વર મહાદેવમાં બિનજરૂરી જળાભિષેક કરવા પર મનાઇ ફરમાવી હતી. જસદણ તાલુકાના ડુંગરની ગાળીઓમાં આવેલું પ્રાચીન ઘેલા સોમનાથ મહાદેવ મંદિર પ્રકૃતિ અને આસ્થાનું અનોખુ ધામ છે. જો કે, ધાર્મિક અને પવિત્ર આસ્થાના ધામમાં ભોળાનાથના શિવલિંગને સતત જળાભિષેક અને ફુલ અને અન્ય ધાન સહિતના અભિષેકને લઇ નુકસાન થઇ રહ્યું હોવાની ગંભીર ફરિયાદ ગાંધીનગરમાં ઓએનજીસીમાં કલાસ વન ઓફિસર તરીકે ફરજ બજાવતાં વિપીન પંડયાએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કરી છે. આ અધિકારીએ વડાપ્રધાન મોદીને પત્રમાં રજૂઆત કરી છે કે, ત્રણ પેઢીથી એટલે કે, છેલ્લા ૪૫ વર્ષોથી હું આ ઐતિહાસિક મંદિર સાથે સંકળાયેલો છું. મારા માટે આ પવિત્ર આસ્થાનું કેન્દ્ર છે. મંદિરમાં રૂ.૧૦-૧૦ લઇ શિવલિંગ પર જળાભિષેક કરાવવામાં આવી રહ્યો છે પરંતુ શિવલીંગ પર સતત પાણી પડવાના કારણે તેને નુકસાન થઇ રહ્યું છે અને પોપડા જેવું વળી રહ્યું છે. માત્ર કમાવવાના ઉદ્દેશથી સતત આ પ્રકારે જળાભિષેક કોઇપણ રીતે ઉચિત ના કહી શકાય. શિવલીંગના રક્ષણ અને તેની ઐતિહાસિકતાની જાળવણી માટે આ પ્રકારે સતત જળાભિષેક થવો ના જોઇએ. મંદિરના સંચાલકોનું કહેવું છે કે, મહોમ્મદ બેગડાએ આ શિવલીંગને હથોડાના ઘા માર્યા તેના નિશાન છે પરંતુ અધિકારી વિપીન પંડયાનુંકહેવું છે કે, જો મને સરકાર મંજૂરી આપે તો, હું મારા ખર્ચે દિલ્હીથી ભૂસ્તર શાસ્ત્રીઓને બોલાવી આ શિવલીંગની તપાસ કરાવવા ઇચ્છું છું. પંડયાએ આ સમગ્ર મામલે વ્હોટ્સ એપ, ઇમેલ અને ટવીટર દ્વારા રાજકોટ જિલ્લા કલેકટરથી લઇ મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન સુધી રજૂઆતો કરી છે.

(9:48 pm IST)