Gujarati News

Gujarati News

News of Saturday, 27th January 2018

દબાણ હટાવવા ગયેલી ટીમ પર સ્થાનિક લોકોનો હુમલો

શહેરના સાબરમતી ડી કેબીન પાસેનો બનાવઃ અસરગ્રસ્તોનો આત્મવિલોપનનો પ્રયાસ, અસરગ્રસ્તોને એલઆઇજીમાં આવાસ ફાળવાયા હોવાના દાવો કરાયો

અમદાવાદ,તા. ૨૭, શહેરના સાબરમતી ડી કેબીન વિસ્તારમાં આવેલા ચર્ચ નજીકની પરીક્ષિતલાલનગર સોસાયટીમાં ટીપી-૨૩ આવતાં બે પ્લોટનો કબ્જો મેળવવા પહોંચેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગની ટીમ પર સ્થાનિક અસરગ્રસ્તોએ હુમલો કરતાં જોરદાર ચકચાર મચી ગઇ હતી.  આ સમગ્ર વિવાદમાં સ્થાનિક અસરગ્રસ્તો અને અમ્યુકોના અધિકારીઓ દ્વારા સામસામે આક્ષેપો અને બચાવ થઇ રહ્યા છે, જેને લઇને પણ મામલો ગરમાયો છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, સાબરમતી ડી કેબીન વિસ્તારમાં આવેલા ચર્ચ પાસેની પરીક્ષિતલાલનગર સોસાયટીએ વર્ષ ૨૦૧૨માં અમ્યુકોને ટીપી સ્કીમ અંતર્ગત આપવાના થતાં બે પ્લોટ સામે વાંધો ઉઠાવીને હાઇકોર્ટમાં રિટ અરજી કરી હતી. જો કે, હાઇકોર્ટે આ જગ્યા તત્કાળ ખાલી કરી તેનો કબ્જો અમ્યુકોને સોંપી દેવા આદેશ કર્યો હતો. બીજીબાજુ, અમ્યુકો દ્વારા અસરગ્રસ્તોને દસ ફુટ બાય પંદર ફુટની ખાલી જગ્યા સાબરમતી અચેર ખાતે વર્ષ ૨૦૧૩માં ફાળવાઇ હતી જો કે, અસરગ્રસ્તોએ આ વૈકલ્પિક વ્યવસ્થાની ઓફર ઠુકરાવી દીધી હતી અને પાકા મકાન ફાળવવા માંગણી કરી હતી. જેને પગલે અસરગ્રસ્તોને ચાંદખેડાની ટીપી સ્કીમ નં-૪૪ના એલઆઇજી મકાનોમાં અસરગ્રસ્તોને કોસ્ટ ટુ કોસ્ટ મુજબ ફાળવણી કરાઇ હતી. દરમ્યાન ગઇકાલે બપોરે પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગના અધિકારીઓની ટીમ પ્લોટ ખાલી કરાવવા ઉપરોકત સ્થળે ગઇ ત્યારે સ્થાનિક અસરગ્રસ્તો દ્વારા મ્યુનિસિપલ અધિકારીઓ પર હુમલો કરી ભારે હોબાળો મચાવ્યો હતો. કેટલાક શખ્સોએ અમ્યુકોની મશીનરી તોડવાનો પણ પ્રયાસ કરાયો હતો. તો વળી, એક અસરગ્રસ્તે શરીર પર કેરોસીન છાંટી આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર ઘટનાને લઇ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડયા હતા. આ પ્રકરણમાં સ્થાનિક અસરગ્રસ્તોએ આક્ષેપ કર્યો હતો કે, આ મુદ્દો પાંચ વર્ષ જૂનો છે અને સ્થાનિક અધિકારીઓ કેટલાક બિલ્ડરોના ઇશારે તેઓને બેઘર કરી રહ્યા છે, જયારે અમ્યુકોના અધિકારીઓએ બચાવ કર્યો હતો કે, અસરગ્રસ્તોએ કેરોસીન છાંટી અમારા અધિકારીઓને પણ સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. અગાઉ કોર્પોરેશનને તેમણે આપેલી લેખિત બાંહેધરીના અનુસંધાનમાં અમારી ટીમ સ્થળ પર પહોંચી હતી પરંતુ અસરગ્રસ્તો મ્યુનિસિપલ અધિકારીઓને જોઇ ઉશ્કેરાઇ ગયા હતા.પરિસ્થિતિ વણસાવી હતી. હવે અમે પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે આગળની કાર્વયાહી કરીશું.

(9:48 pm IST)