Gujarati News

Gujarati News

News of Saturday, 27th January 2018

અમદાવાદના જુહાપુરા ફતેવાડી નજીકથી પોલીસે બાતમીના આધારે ગૌમાંસના જથ્થા સાથે એકની અટકાયત કરી

અમદાવાદ: શહેરમાં ગૌમાંસના વેચાણ પર પ્રતિબંધ હોવા છતાં કસાઇઓ પોલીસના ડર વગર બેખોફ રીતે ગૌમાંસનું વેચાણ કરી રહ્યા છે. થોડાક દિવસ પહેલાં રખિયાલમાંથી પોલીસે કતલખાનું પકડી પાડયું હતું.

જેમાં હજારો કિલો ગૌમાંસ પોલીસે જપ્ત કર્યું હતું. જ્યારે ગઇ કાલે વધુ એક ગૌમાંસનો જથ્થો પોલીસે પકડી પાડતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. જુહાપુરા ફતેહવાડી પાસેથી પોલીસે રિક્ષામાંથી ર૧૦ કિલો ગૌમાંસનો જથ્થો પકડી પાડયો છે.

વેજલપુર પોલીસને બાતમી મળી હતી કે ફતેહવાડી અશરફી મસ્જિદ પાસે આવેલા ઓરેન્જ ફોરમાં રહેતા અશરફખાન ઇસ્માઇલખાન પઠાણ ગૌમાંસ રિક્ષામાં લઇને પસાર થઇ રહ્યો છે.

બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવતાં જુહાપુરા ફતેહવાડી વિસ્તારમાંથી અશરફખાન પઠાણની ગૌમાંસના જથ્થા સાથે ધરપકડ કરી હતી. રિક્ષામાંથી મળી આવેલું માંસ ગૌમાંસ છે કે પછી અન્ય કોઇ પશુનું માંસ છે તે તપાસવા માટે પોલીસે એફએસએલની ટીમને બોલાવી હતી.

ફએસએલની ટીમે ઘટનાસ્થળે પહોંચી સાયન્ટિફિક રીતે તપાસ કરતાં રિક્ષામાંથી મળી આવેલું માંસ ગૌમાંસ હોવાનો રિપોર્ટ પોલીસને આપ્યો હતો. પોલીસેે અશરફખાનની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

(5:43 pm IST)