Gujarati News

Gujarati News

News of Saturday, 27th January 2018

બે દિવસ અગાઉ નોકરીએ લાગેલ વડોદરાના યુવાનનું લકઝરી બસની હડફેટે કમકમાટીભર્યું મોત

વડોદરા:બે દિવસ પહેલાં જ નોકરી લાગેલા યુવાનનું આજે શનિવારે વહેલી સવારે ખાનગી લકઝરી બસના વ્હીલ નીચે આવી જતાં સ્થળ પર કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

અરેરાટીભર્યા આ બનાવમાં બસ ચાલક સ્થળ પર બસ મુકીને ફરાર થઇ ગયો હતો. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
મળેલી માહિતી પ્રમાણે મૂળ છોટાઉદેપુરનો વતની અને હાલમાં વાડી ગાજરાવાડી, ભાથુજી મંદિર પાસે રહેતો કમલેશભાઈ બારીયા બે દિવસ પહેલાં કલાલી ખાતે આવેલી ટ્રાન્સપેક કંપનીમાં નોકરી શરૂ થયો હતો. આજે વહેલી સવારે પોતાની સાઇકલ ઉપર નોકરી જઇ રહ્યો હતો.

દરમિયાન કલાલી બ્રિજ ઉપર પુરપાટ પસાર થઇ રહેલી વૈશાલી ટ્રાવેલ્સની લકઝરી બસે સાઇકલ સવાર કમલેશ બારીયાને અડફેટમાં લીધો હતો અને બસ ડીવાઇડર ઉપર ચઢી ગઇ હતી. આ ઘટનામાં સાઇકલ સવાર કમલેશ લકઝરી બસના તોતીંગ વ્હીલ નીચે આવી જતાં સ્થળ પર જ તે મોતને ભેટ્યો હતો.

આજે વહેલી સવારે આ બનાવ બનતા જ નોકરી ધંધાર્થે જતા અને સ્થાનિક લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા. જોકે, લોકો સ્થળ પર દોડી આવે તે પહેલાં બસ ચાલક પોતાની બસ સ્થળ પર મૂકી ફરાર થઇ ગયો હતો. બીજી બાજુ આ બનાવની જાણ પોલીસને થતાં તુરત જ પોલીસ દોડી આવી હતી. અને લાશનો કબજો લઈ કાર્યવાહી હાથ ધરી હતી.

(5:43 pm IST)