Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

નિયમ પાલન ફકત લોકો માટે,પોલીસને પીળો પરવાનો એવી માન્યતા મારે દૂર કરવી છે : સંજય શ્રીવાસ્તવ

હેલ્મેટ અને માસ્ક ફરજિયાત,ત્રણ ટ્રીપલ સવારી પર પ્રતિબંધ, વાત અહીથી જ અટકતી નથી, વાહન પાછળ પોલીસ હોવાની ઓળખ આપતી 'પી' શબ્દ પોલીસ દૂર ન કરે તો પણ દંડ ફટકારવામાં આવશે : ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા ખુદ પોલીસ સામે અમદાવાદમાં ઝુંબેશ કરી લોકોને ટ્રાફિક નિયમોના પાલન માટે પ્રેરણા આપવા માટે અભૂતપૂર્વ પ્રયોગ હાથ ધરનાર અમદાવાદ પોલીસ કમિશનર 'અકિલા' સમક્ષ વર્ણવે છે અનોખા અભિયાનની અનોખી કથા

 રાજકોટ તા.૨૪,  ઓછું બોલી વધુ કામ ખૂબ મક્કમતાથી કરવા માટે ગુજરાત પોલીસ તંત્રમાં જાણીતા સંજય શ્રીવાસ્તવ દરેક કામ ચોકસાઈથી થવા સાથે નિયમનો ચુસ્તપણે અમલ થાય તેવા ખાસ મતના છે, ટ્રાફિકના નિયમોની વાત કરીએ તો લોકોના મનમાં જાણે અજાણ્યે એવી માન્યતા ઘર કરી ગઈ છે કે બધા નિયમો માત્ર સામાન્ય લોકો માટે જ હોય છે, નિયમનો અમલ કરાવવાની જેની જવાબદારી હોય છે તેવા કાયદાના રખેવાળો બિન્દાસ્ત આવા નિયમોનો ઉલાળિયો કરે છે, આ માન્યતા સાવ બેબુનિયાદ પણ નથી,લોક માનસમાં રહેલ આવી છબી દૂર કરી લોકો પણ કાયદા પાલન દ્વારા પોતાના તથા અન્યોના જીવ જોખમમાં ન મૂકે તે માટે કાયદાના રખેવાળો માટે અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રી વાસ્તવ દ્વારા વિશેષ ઝુંબેશ શરૂ થઇ છે, આ ઝુંબેશમાં ઉચ્ચ અધિકારીઓની જવાબદારી પણ ફિકસ કરી જે યોજના બનાવી છે તેની વિગતો પણ જાણવા જેવી છે

ઉકત બાબતે 'અકિલા' સાથેની વાતચીતમાં ડીજી લેવલના સિનિયર આઇપીએસ સંજય શ્રીવાસ્તવ દ્વારા    જણાવાયું હતું કે ટ્રાફિકની વકરતી જતી સમસ્યા માટે ચુસ્ત નિયમ પાલન જરૂરી હોવાનું મારા ફુલપ્રુફ સર્વે દરમિયાન તારણ નીકળેલ. લોકો આનો ચુસ્તપણે અમલ કરે તે માટે  શું કરવું? તેની વિચારણા માટે સહુ પ્રથમ તો નિયમ પાલનની જેની જવાબદારી છે તેવો જ જવાબદારી પૂર્વક વર્તે તે માટે તેમના માટે જ ચોક્કસ અંકુશો મુકાયા, આ માટે ખાસ ઝુંબેશ ની અમલવારી માટે નિશ્ચય કરી અને આવા નિયમો માત્ર કાગળ પર ન રહે તે માટે જવાબદાર અધિકારીઓની જવાબદારી ફિકસ કરી, રોજેરોજ કરેલ કામગીરીના રિપોર્ટ અમોને મળે તેવી વ્યવસ્થા ગોઠવી છે, પોલીસ દ્વારા જ નિયમ પાલન થતું જોવા મળશે અને ખુદ પોલીસ પણ નિયમ ભંગ બદલ દંડાશે ત્યારે લોકો પણ ચુસ્તાતપૂર્વક નિયમ પાલન કરશે .આ માટે જે આખી સ્કીમ તૈયાર કરવામાં આવી છે તે પણ જાણવા જેવી છે. 

અમદાવાદ શહેર ટ્રાફિકના સંયુકત પોલીસ કમિશનર મયંકસિંહ ચાવડા દ્વારા જારી કરાયેલા આદેશમાં જણાવ્યું છે કે, પોલીસ અધિકારી- કર્મચારીઓ ફરજ પર આવતા-જતાં દરમિયાન હેલ્મેટ પહેર્યા વગર ત્રણ સવારી, ડાર્ક ફિલ્મ લગાવી, ખામી યુકત નંબર પ્લેટ, એચ.એસ.આર.પી. નંબર પ્લેટ વગર,પોલીસ અથવા પી લખેલું વાહન, માસ્ક પહેર્યા વગર વગેરે કાયદાનો ભંગ કરીને વાહન ચલાવતાં હોવાનુ ધ્યાને આવ્યું છે. જે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન તેમ જ અશોભનીય બાબત છે. જેનાથી પોલીસ વિભાગની છાપ ખરડાય છે. જે બિલકુલ ચલાવી શકાય નહીં. જેથી આ બાબતની ચુસ્તપણે અમલ કરવા માટે તા.૨૩થી ૨૯ જુલાઇ સુધી ઝુંબેશ રાખવામાં આવે છે. આ ઝુંબેશ દરમિયાન વાયોલેશન કરનારા કર્મચારીના નિયંત્રણ અધિકારી ( ડીસીપી )ને શિસ્ત વિરુધ્ધના પગલાંઓ લેવા માટે પણ રિપોર્ટ કરવાનો રહેશે.

શહેર પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવના સૂચનાથી જારી કરેલાં આદેશમાં વધુમાં જણાવ્યું છે કે, તમામ પોલીસ સ્ટેશનો તેમજ પોલીસ હેડ કવાર્ટર, પોલીસ કમિશનર કચેરી, તમામ પોલીસ અધિકારીઓની કચેરીઓમાં આવતા-જતાં પોલીસ કર્મચારીઓ જે ઉકત જોગવાઇનો ભંગ કરતા જણાઇ આવે તો તેઓ વિરુધ્ધ મોટર વ્હીકલ એકટ અંતર્ગત કેસો કરવાના રહેશે. આ સ્થળોએ પોલીસ ચેકીંગ પોઇન્ટ ગોઠવવાના રહેશે. આ અંગે થાણાં ઇન્ચાર્જ જાતેથી કામગીરી કરવાની તથા કરાવવાની રહેશે. તેમ જ ડીસીપી ટ્રાફિક પૂર્વ તથા પશ્ચિમ ઝોન તથા તમામ ઝોન ડીસીપીઓએ અને તમામ એસીપીઓએ પોતપોતાના વિસ્તારમાં હાજર રહી અસરકારક કામગીરી થાય તેનું સુપરવિઝન કરવાનું રહેશે. આ ડ્રાઇવ દરમિયાન કરેલી કામગીરીનો રિપોર્ટ સ્થાનિક પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જોએ પોતાના કાર્યક્ષેત્રની માહીતી સંકલિત કરી રોજરોજ મદદનીશ પોલીસ કમિશનર ( ટ્રાફિક વહીવટ )ને ફરજિયાત પણે મોકલવાની રહેશે તેવી તાકીદ કરાઇ છે. તેમ પોલીસ કમિશ્નર દ્વારા વાતચીતના અંતે જણાવ્યું હતુ.

(11:58 am IST)