Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

ગાંધીનગર જિલ્લામાં સુઘડ તાલુકામાં બોગસ દસ્તાવેજના આધારે જમીન પચાવી પાડી વૃદ્ધ સાથે છેતરપિંડી આચરનાર વિરુદ્ધ ગુનો દાખલ

ગાંધીનગર : ગાંધીનગર જિલ્લામાં જમીન સંબંધિત ફરીયાદો વધી રહી છે ત્યારે શહેર નજીક આવેલા સુઘડ ગામના વૃધ્ધ ખેડૂતના ભાગની કરોડો રૃપિયાની જમીન બોગસ દસ્તાવેજથી પચાવી પાડવાનો કારસો રચાયો હતો અને તેના આધારે કોર્ટમાં દાવો પણ દાખલ કરાયો છે. આ સંદર્ભે ખેડૂતની ફરીયાદના આધારે અડાલજ પોલીસે અમદાવાદના ત્રણ શખ્સો અને નોટરી સહિત ચાર વ્યક્તિઓ સામે વિશ્વાસઘાત, છેતરપીંડી તેમજ ગુનાહિત ષડયંત્રની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૃ કરી છે.  

રાજયના પાટનગર ગાંધીનગર જિલ્લામાં હાલ જમીનોના ભાવ આસમાનને આંબી રહયા છે ત્યારે ખેડૂતોની જમીન યેનકેન પ્રકારે પચાવી પાડવા માટે ભુમાફીયાઓ તરકટ રચી રહયા છે ત્યારે શહેર નજીક સુઘડ ગામના ૮પ વર્ષીય ખેડૂત ગાભાભાઈ જીવાભાઈ પરમારની જમીન પચાવી પાડવા માટે ધીરેન હીરેનભાઈ રામોલીયા રહે.નંદનવન-૪, આંગન પાર્ટી પ્લોટ પાસે, જોધપુર, સેટેલાઈટ, રજનીકાંત પ્રહલાઈભાઈ સોની રહે.૩૦૪, અંજલિ એપાર્ટેમેન્ટ, બાપુનગર, રાજેશ વાઘજીભાઈ પટેલ રહે.૩, શિવધારા રોહાઉસ, નિશાન બંગલોઝ નરોડા અને નોટરી ચંદ્રકાંત ઉમિયાશંકર શેલત રહે.૭ર/૭૩, સમરતનગર, હાંસોલ અમદાવાદ દ્વારા ગુનાહિત ષડયંત્ર રચાયું હોવા સંદર્ભે અડાલજ પોલીસ મથકમાં ગુનો દાખલ થયો છે. ગાભાભાઈ પરમારની સુઘડ ગામમાં જમીન આવેલી છે અને આ જમીન ર૦૧૯માં વેચવાની હોવાથી દલાલ મારફતે ધીરેન રામોલીયાનો સંપર્ક થયો હતો અને તેમના ભાગની જમીનના એક વીઘાના એક કરોડ ૮પ લાખમાં વેચાણ રાખવાનું નક્કી થયું હતું અને બાનાપેટે ૮.૨૧ લાખ રોકડા અને પાંચ લાખનો ચેક આપ્યો હતો. ત્યારબાદ આ સંદર્ભે એક સમજુતી કરાર પણ થયો હતો. જમીન જુની શરત થયા બાદ પાકો દસ્તાવેજ કરવાનું નકકી થયું હતું. જે અસલ કરાર ધીરેન રામોલીયા પાસે હતા. અને તેણે બે દિવસમાં ઝેરોક્ષ કરાવી આપી દેવાની વાત કરી હતી. ત્યારબાદ ફોન ઉપાડવાના બંધ કરી દીધા હતા અને સોદો કેન્સલ કરવાની વાત કરી હતી. જો કે સમજુતી કરાર પરત આપ્યો નહોતો. ત્યારબાદ આ કરારના કાગળોનો ઉપયોગ કરીને ગાંધીનગર કોર્ટમાં દાવો દાખલ કરવામાં આવ્યો હતો.  હાલ પોલીસે આ ચારેય વ્યક્તિઓ સામે ગુનો દાખલ કરીને તેમની ધરપકડ માટે દોડધામ શરૃ કરી છે.

(5:32 pm IST)