Gujarati News

Gujarati News

News of Sunday, 25th September 2022

29મીએ વડાપ્રધાન મોદીના હસ્તે તળાજા ખાતે 10 કરોડના ખર્ચે નવનિર્મિત મોડેલ સ્કૂલ અને ગર્લ્સ હોસ્ટેલનું લોકાર્પણ

૧૫ જેટલાં અદ્યતન વર્ગખંડ સાથે ૨૦૦ કન્યાઓ રહી શકે તે પ્રકારની આધુનિક સુવિધાઓવાળું કેમ્પસનું નિર્માણ

અમદાવાદ : રાજ્યમાં કન્યા કેળવણીને પ્રોત્સાહન મળે તે માટે ભારતના વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની કન્યા કેળવણી માટેની પ્રતિબધ્ધતાના ફળ સ્વરૂપે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા મોડેલ સ્કૂલ અને કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય(કે.જી.બી.વી.) હોસ્ટેલ સંકુલનું એક પછી એક નિર્માણ કરવામાં આવી રહ્યું છે.

આજ શ્રૃંખલામાં ભાવનગર જિલ્લાના તળાજા ખાતે રૂા. ૧૦ કરોડનાં ખર્ચે વિશાળ કેમ્પસમાં મોડેલ સ્કૂલ અને ૨૦૦ જેટલી કન્યાઓ એકસાથે રહી શકે તેવી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય (કે.જી.બી.વી.)  હોસ્ટેલનું નિર્માણ કરવામાં આવ્યું છે.

મોડેલ શાળામાં કુલ ૧૫ જેટલાં અદ્યતન વર્ગખંડ, પ્રિન્સિપાલ ઓફીસ, સ્ટાફ રૂમ, કોમ્પ્યુટર લેબ, રિસોર્સ રૂમ અને અદ્યતન સાયન્સ લેબ સહિતની તમામ માળખાગત સુવિધાઓ બનાવવામાં આવી છે

જ્યારે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય હોસ્ટેલમાં કન્યાઓને નિ:શૂલ્ક રહેવા-જમવાની સુવિધા સાથે ૫૦ રહેવાં માટેનાં રૂમ, રિડિંગ રૂમ, વોર્ડન ક્વાર્ટર, ડાયનિંગ હોલ, કિચન, ચોકીદારની કેબિન તથા શૌચાલય અને પીવાના પાણી સહિતની વિવિધ સુવિધાઓનું નિર્માણ કરવામાં આવ્યું છે.

(2:38 pm IST)