Gujarati News

Gujarati News

News of Saturday, 24th October 2020

લાજપોર જેલમાં નારાયણ સાંઇ સહિત પાંચ કેદી કરતા'તા મોબાઇલ ફોનથી વાતચીત

નારાયણ સાંઇ ગેંગરેપનો આરોપીઃ હત્યાના આરોપી સહિત પાંચ પાકા કામના કેદી સામે ગુનો નોંધાયોઃ જડતી દરમિયાન ટોયલેટ પાસેથી મળ્યો ફોન

સુરત  તા. ૨૪: લાજપોર ગુજરાતની સૌથી હાઈટેક જેલમાં ગણવામાં આવે છે. સુરતની લાજપોર જેલમાં ગઈકાલે ચેકીંગ દરમિયાન નારાયણ સાઈની બેરેક પાસેથી મોબાઈલ ફોન મળી આવતા પોલીસે નારાયણ સાઈ સહીત ૫ આરોપી સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

આરોપીના બેરેકમાં ટોઇલેટના ડોર પાસેથી ૧ મોબાઇલ મળ્યો હતો. આ મોબાઇલ બળાત્કારના ગુનામાં આજીવન કેદની સજા પામેલો નારાયણ સાંઇ સહિત ૫ પાકા કામના કેદીઓ ઉપયોગ કરતા હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી હતી. જેના આધારે પોલીસે નારાયણ સાંઇ, સુરત ગેંગરેપનો આરોપી તારીક કૂતુબુદ્દીન સૈયદ, અમદાવાદમાં હત્યાનો આરોપી મુસ્તાક આલમ પરમાર, પરેશ ઉર્ફે પાંચા જોગદીયા અને નવીન દલપત ગોહિલ સામે ગુનો નોંધ્યો છે.

લાજપોર જેલની ઝડતી સ્કવોડે બેરેકમાં ચેકિંગ કર્યું હતું. ચેકિંગમાં શંકાસ્પદ હિલચાલ જોવા મળી હતી. તપાસ કરતા બે બેરેકની વચ્ચે કોમન ટોઇલેટની અંદરના ટોઇલેટની તપાસ કરતા દરવાજા પાસેથી મોબાઇલ મળી આવ્યો હતો. સીમ અને બેટરી સાથે ઢાંકણ વગરનો મોબાઇલ બીનવારસી મળી આવ્યો હતો.

પાકાકામનો કેદી નવીન ગોહિલ ફોન પર વાત કરતો હતો. ચેકિંગ આવતા ફોન સંડાસ તરફ ફેંકી દીધો હતો.

બેરેકમાં રહેતા ભુપત ચૌહાણની જેલ સ્ટાફે પૂછપરછ કરતા જણાવ્યું કે, નારાયણ સહિત ૫ કેદી ૩-૪ દિવસથી બિનવારસી મોબાઇલથી વાતચીત કરતા હતા. હાલમાં પાંચેય પાકાકામના કેદીઓને હાઇ સિકયુરિટી યાર્ડના બેરેકમાં મુકી દેવાયા છે.

(11:40 am IST)