Gujarati News

Gujarati News

News of Friday, 24th March 2023

વિધાનસભામાં અમદાવાદનું નામ કર્ણાવત રાખવાનો મુદ્દો ઉછળ્‍યોઃ રાજ્‍ય સરકારે કોઇ દરખાસ્‍ત કરી નથી

આંકલાવના કોંગ્રેસી ધારાસભ્‍ય અમિત ચાવડાના પ્રશ્ન પર સરકારની સ્‍પષ્‍ટતા

ગાંધીનગરઃ અમદાવાદ શહેરનું નામ બદલીને કર્ણાવતી કરવાનો મુદ્દો સતત ઉઠતો રહે છે. અનેકવાર ગુજરાતના શહેર અમદાવાદનું નામ કર્ણાવતી રાખવાની માંગ ઉઠી છે. પરંતું આ મુદ્દે ગુજરાત સરકાર ચૂં કે ચાં કરતી નથી. હવે સરકારે વિધાનસભામાં કબૂલ્યું કે, અમદાવાદ શહેરનું નામ કર્ણાવતી બદલવા માટે રાજ્ય સરકારે કોઈ દરખાસ્ત જ નથી કરી. વિધાનસભા પ્રશ્નોત્તરીમાં સરકારે સ્વીકાર કર્યો કે, અમદાવાદનું નામ બદલવા માટે સરકારે કોઈ દરખાસ્ત નથી કરવામાં આવી. આંકલાવના કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાના સવાલ પર સરકારે આ જવાબ રજૂ કર્યો. ઉલ્લેખનીય છે કે, ભાજપ, RSS અને તેની ભગિની સંસ્થા અમદાવાદ શહેરને હંમેશા કર્ણાવતી શહેર તરીકે ઉલ્લેખિત કરે છે. ત્યારે સરકારને નામ બદલવામાં કેમ વાંધો પડે છે. 

ભાજપ વર્ષોથી અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરવાની વાતો કરે છે. ભાજપની પ્રેસનોટમાં પણ અમદાવાદનો ઉલ્લેખ કર્ણાવતી તરીકે કરવામાં આવે છે. તેમ છતા ભાજપ સરકારને શહેરનું નામ બદલવામાં કોઇ રસ ન હોવાનું સામે આવ્યું છે. અમદાવાદનું નામ બદલવા સરકારે કોઈ દરખાસ્ત જ નથી કરી તેવું સામે આવ્યું છે. વિધાનસભામાં પ્રશ્નોત્તરીમાં સરકારે આ વાતનો સ્વીકાર કર્યો છે.  હવે લાગે છે કે ભાજપને અમદાવાદનું નામ કર્ણાવતી કરવામાં કોઈ રસ નથી. અમદાવાદીઓએ પોતાના શહેરને બદલવાની આશા હવે છોડી દેવી જોઈએ. કારણ કે, સરકારને જ તેમાં કોઈ રસ નથી. ભરોસાની ભાજપ સરકારે અમદાવાદીઓનો ભરોસો તોડ્યો છે. હવે અમદાવાદનું નામ કર્ણાવતી નહિ થાય. 

ABVP શરૂ કરશે મુહિમ
ગત મહિને આરએસએસના વિદ્યાર્થી સંગઠન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે હવે ગુજરાતના અમદાવાદ શહેરનું નામ બદલીને કર્ણાવતી કરવાની માંગણી ઉઠાવી હતી. NBT ના રિપોર્ટ મુજબ ABVP નું કહેવું છે કે આ એક રાજકીય મુદ્દો નથી પરંતુ સાંસ્કૃતિક મુદ્દો છે. તેને એ જ રીતે લેવાવો જોઈએ. આવું પહેલીવાર નથી બન્યું કે અમદાવાદનું નામ કર્ણાવતી કરવાની માંગણી થઈ રહી છે. આ અગાઉ પણ ગુજરાતના સૌથી મોટા અને ઐતિહાસિક શહેરનું નામ બદલવાની માંગણી ઉઠતી રહી છે. 2018માં જ્યારે વિજય રૂપાણી રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે પણ આવી જ માંગણી ઉઠી હતી. ત્યારે તત્કાલિન ડેપ્યુટી સીએમ નીતિન પટેલે કહ્યું હતું કે સરકાર નામ બદલવા પર વિચાર કરી રહી છે. અમદાવાદ દેશનું એકમાત્ર એવું શહેર છે જે વર્લ્ડ હેરિટેજ સિટીની યાદીમાં સામેલ છે. 

કર્ણદેવે વસાવ્યું શહેર
અમદાવાદનું નામ બદલવાની માંગણી કરનારાઓની એવી દલીલ છે કે 1411માં મુસ્લિમ શાસક અહમદ શાહે જ્યાં કબજો જમાવ્યો અને  તેનું નામ અહમદાબાદ કરી નાખ્યું. જે અમદાવાદ પણ કહેવાય છે. અમદાવાદનું અસલ નામ કર્ણાવતી છે. તેની પાછળ દલીલ એવી છે કે 11મી સદીમાં ગુજરાતના સોલંકી રાજા કર્ણદેવે અશાવલ ભીલ નામના રાજાને હરાવીને હાલનો પ્રદેશ જીત્યો હતો અને ત્યારબાદ તે જગ્યાનું નામ કર્ણાવતી રાખ્યું હતું. આથી તેનું નામ કર્ણાવતી હોવું જોઈએ. હિન્દુ સંગઠનો અગાઉ પણ આ માંગણી કરતા આવ્યા છે. ભાજપની અમદાવાદ શાખાના નામ પર અમદાવાદની જગ્યાએ કર્ણાવતી જ લખવામાં આવે છે. શહેરની વાત કરીએ તો શહેરમાં કર્ણાવતી નામની એક ક્લબ  પણ છે. આ ઉપરાંત કર્ણાવતી દાબેલી નામની એક જાણીતી દુકાન પણ છે. આ સિવાય વેસ્ટર્ન રેલવે પણ કર્ણાવતી એક્સપ્રેસનું સંચાલન કરે છે. આ ટ્રેન અમદાવાદથી મુંબઈ વચ્ચે દોડે છે. આ ઉપરાંત અમદાવાદમાં એક ખાનગી યુનિવર્સિટીનું નામ પણ કર્ણાવતી યુનિવર્સિટી છે. 

કર્ણદેવ હતા અમદાવાદના શાસક
આ પહેલા સોશિયલ મીડિયા પર અમદાવાદનું નામ કર્ણાવતી કરવા માટે મુદ્દો ઉઠ્યો હતો. યૂઝર્સનું કહેવું હતું કે, અમદાવાદનો પાયો અહમદશાહે નહીં પરંતુ રાજા કર્ણદેવે રાખ્યો હતો. એટલા માટે શહેરનું નામ તેમના નામ પર હોવું જોઇએ. ભૂતકાળમાં અનેકવાર સોશિયલ મીડિયા પર અમદાવાદનું નામ કર્ણાવતી કરવાની માંગ ઉઠી હતી. તો સાથે જે ટ્વિટર પર #WeWantKarnavati હેશટેગ સાથે લોકોએ રજૂઆત કરી હતી.

(6:39 pm IST)