Gujarati News

Gujarati News

News of Friday, 24th March 2023

તેજસ્‍વી યાદવે કહ્યા ગુજરાતીઓને ઠગ

તેમના આ નિવેદનનો છત્તીસગઢના સર્વ ગુજરાતી સમાજનો વિરોધઃ કાયદાકીય કાર્યવાહી કરવાની માગણી કરાઈ

પટણા, તા.૨૪: બિહારના નાયબ મુખ્‍યપ્રધાન તેજસ્‍વી યાદવે વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી અને ગળહપ્રધાન અમિતભાઇ શાહને ટાર્ગેટ બનાવીને વધુ એક આપેલા નિવેદનમાં કહ્યું હતું કે વર્તમાન પરિસ્‍થિતિમાં માત્ર ગુજરાતીઓ જ છેતરપિંડી કરી શકે છે. તેમના આ નિવેદનથી છત્તીસગઢના ગુજરાતીઓમાં આક્રોશ વ્‍યાપ્‍યો છે. છત્તીસગઢના સર્વ ગુજરાતી સમાજ તરફથી છત્તીસગઢના સુપરિન્‍ટેન્‍ડેન્‍ટ ઑફ પોલીસને આપેલા એક આવેદનપત્રમાં તેજસ્‍વી યાદવ સામે એક સમાજ માટે અશોભનીય અને અમર્યાદિત ભાષાના ઉપયોગ માટે કાયદાકીય કાર્યવાહી કરવાનું કહેવામાં આવ્‍યું છે. તેજસ્‍વી યાદવે તાજેતરમાં ભારતીય જનતા પાર્ટી પર પ્રહાર કરતાં કહ્યું હતું કે ‘દેશની વર્તમાન પરિસ્‍થિતિમાં માત્ર એક ગુજરાતી જ ઠગ બની શકે છે, કારણ કે તેમની છેતરપિંડીને માફ કરી દેવામાં આવશે.

છત્તીસગઢના સર્વ ગુજરાતી સમાજના અધ્‍યક્ષ પ્રીતેશ ગાંધીએ ‘મિડ-ડે'ને કહ્યું હતું કે ‘તેજસ્‍વી યાદવે ગુજરાતી સમાજને ઠગ કહીને સમગ્ર દેશના ગુજરાતી સમુદાયનું અપમાન કર્યું છે અને તેમની લાગણી દુભાવી છે. અમારો સમાજ તેજસ્‍વી યાદવના આ નિવેદનની આકરી ટીકા કરે છે. છત્તીસગઢની પોલીસ તેજસ્‍વી યાદવ સામે એફઆઇઆર નોંધીને યોગ્‍ય કાર્યવાહી કરે એવી જ અમારી માગણી છે.'

(4:53 pm IST)