Gujarati News

Gujarati News

News of Friday, 24th March 2023

ગુજરાતમાં ૧ લાખથી વધુ ચેકડેમો : ૫ વર્ષથી વધુ જુના ચેકડેમોની સ્‍વૈચ્‍છીક સંસ્‍થાઓ મારફત મરામત

રાજકોટ તા. ૨૪ : સમગ્ર રાજ્‍યમાં વિવિધ યોજનાઓ થકી એક લાખ કરતા પણ વધુ ચેકડેમો બનાવવામાં આવેલ છે. આ ચેકડેમો પૈકીના ઘણા ચેકડેમો બનાવ્‍યા તેને ઘણો સમય થયેલ છે. આ બનાવેલ ચેકડેમ પૈકી ઘણા ચેકડેમો હાલ નુકસાન પામેલ છે. જેને મરામત કરવાથી આ ચેકડેમની સંગ્રહશકિત પુનઃસ્‍થાપિત થશે. જેનાથી ઓછા ખર્ચે અને ઓછા સમયમાં પાણીની સંગ્રહશકિત પુનઃસ્‍થાપિત કરી શકાશે. ચેકડેમોની મરામ અંગે જળસંપતિ વિભાગે ૧૭ માર્ચે પરિપત્ર પ્રસિધ્‍ધ કર્યો છે.

પરિપત્રમાં જણાવાયું છે કે, આ કાર્યપધ્‍ધતિથી રાજ્‍યના વન વિસ્‍તાર સિવાયના તમામ વિસ્‍તારમાં કામગીરી કરી શકાશે. રાજ્‍યમાં વિવિધ વિભાગો જેવા કે, જળસંપતિ વિભાગ, પાણી પુરવઠા વિભાગ, પંચાયત ગ્રામ ગૃહ અને ગ્રામ વિકાસ વિભાગ, કૃષિ વિભાગ વગેરે દ્વારા તેમજ કોઇપણ ગ્રાન્‍ટ - યોજના હેઠળ બનાવવામાં આવેલ ચેકડેમની મરામતની કામગીરી કરી શકાશે. વન અને પર્યાવરણ વિભાગ સિવાયના તમામ વિભાગના ચેકડેમની મરામતની કામગીરી કરી શકાશે. જે ચેકડેમને ૫ વર્ષે કે તેથી વધુ સમય પહેલા બનાવવામાં આવેલ હોય તેવા ચેકડેમોની મરામતની કામગીરી કરી શકાશે.

ચેકડેમ મરામતની કામગીરી મહત્તમ ચેકડેમ દીઠ રૂા. ૨૦ લાખ સુધીની રહેશે તથા કોઇપણ ચેકડેમની મૂળ અંદાજીત કિંમત કરતાં મરામતનો ખર્ચ ૫૦%થી વધુ લઇ શકાશે નહિ તથા ચેકડેમની મૂળ અંદાજીત કિંમત રૂા. ૧૦ કરોડથી વધારે હોય તેવા મોટા ચેકડેમોની મરામતની કામગીરી આ કાર્યપધ્‍ધતિ હેઠળ લઇ શકાશે નહિ. સ્‍વૈચ્‍છીક સંસ્‍થા દ્વારા ૮૦:૨૦ના ધોરણે ચેકડેમ મરામત કામગીરી અંગેની કાર્યપધ્‍ધતિ માત્રને માત્ર ચેકડેમ મરામત કામગીરી માટે જ લાગુ પાડી શકાશે. નવા ચેકડેમની કામગીરી આ પધ્‍ધતિ હેઠળ કરી શકાશે નહીં. ચેકડેમ મરામતની કામગીરીમાં રાજ્‍ય સરકારનો ફાળો મહત્તમ ૮૦ ટકા તથા અને સ્‍વૈચ્‍છીક સંસ્‍થાઓના ફાળો લઘુત્તમ ૨૦ ટકાનો રહેશે.

સ્‍વૈચ્‍છીક સંસ્‍થા : રાજ્‍યના ઔદ્યોગિક ગૃહો તથા સેવાભાવી સંસ્‍થા, એ.પી.એમ.સી., દુધ ઉત્‍પાદક સહકારી સંઘો જેવી સંસ્‍થા જેઓ સરકારના જે તે વિભાગની કચેરીમાં નોંધાયેલ હોય તે ચેકડેમની મરામતની કામગીરી માટે સ્‍વૈચ્‍છિક સંસ્‍થા તરીકે કામગીરી કરી શકશે. સ્‍વૈચ્‍છીક સંસ્‍થાની લાયકાત માટે ધારાધોરણ નક્કી કરવામાં આવેલ છે.

(1:23 pm IST)