Gujarati News

Gujarati News

News of Friday, 24th March 2023

ધોરણ-૧૨ અંગ્રેજીના પેપરમાં છબરડો : નાની-મોટી ૯ ભૂલો

અમુક પ્રશ્નોમાં ગ્રામરની ભૂલો તો અમુકમાં સ્‍પેલિંગમાં ભૂલો હતી : પ્રશ્ન નં. ૧૧માં બે ઓપ્‍શન સાચા હતા, પ્રશ્ન નં. ૬૧માં એપ્‍લિકેશનનો પ્રશ્ન જ ન પૂછાયો : પુસ્‍તકમાંથી પૂછવામાં આવેલા પેરેગ્રાફમાં પણ સ્‍પેલિંગને લગતી ભૂલો હોવાનું જણાયું

અમદાવાદ તા. ૨૪ : ધો-૧૨ સામાન્‍ય પ્રવાહમાં અંગ્રેજી દ્વીતિય ભાષાના પ્રશ્નપત્રમાં નાની-મોટી ૯ જેટલી ભુલો હોવાનું સામે આવ્‍યું છે. જેમાં એક પ્રશ્નમાં બે ઓપ્‍શન સાચા છે, જયારે અમુક પ્રશ્નોમાં ગ્રામરને લગતી ભુલો થઈ હોવાનું સામે આવ્‍યું છે. આ ઉપરાંત એપ્‍લિકેશનને લગતો પ્રશ્ન જ ઓપ્‍શનમાં પુછાયો ન હોવાની ભુલ પણ પ્રશ્નપત્રમાં સામેલ છે. અમુક પ્રશ્નો તો પુસ્‍તકમાંથી સીધા પુછાયા હોવા છતાં તેમાં પણ ભુલ કરવામાં આવી હોવાનું સામે આવ્‍યું છે.ᅠ

પ્રાપ્ત માહિતી અનુસાર, ધોરણ-૧૨ સામાન્‍ય પ્રવાહમાં તાજેતરમાં અંગ્રેજી દ્વીતિય ભાષાની પરીક્ષા લેવામાં આવી હતી. આ પ્રશ્નપત્રમાં પ્રશ્ન નંબર-૬૧માં સ્‍પીચના ઓપ્‍શનમાં એપ્‍લિકેશનનો પ્રશ્ન પુછવાનો હોય છે, પરંતુ પેપર સેટર દ્વારા તે પ્રશ્ન પુછવામાં આવ્‍યો ન હોવાનું સામે આવતા બોર્ડ સમક્ષ આ મુદ્દે રજૂઆત પણ થઈ છે. જેમાં એપ્‍લિકેશન તૈયાર કરનારા વિદ્યાર્થીઓને ૬ ગુણનું નુકશાન જવાની શક્‍યતાના પગલે તેમને ૬ ગુણનું ગ્રેસિંગ આપવા બોર્ડના સભ્‍યએ જ ભલામણ કરી છે.ᅠ

જોકે, અંગ્રેજીના પ્રશ્નપત્રમાં આ એકમાત્ર ભુલ હતી તેવું નથી. આ સહિત કુલ ૯ જેટલી નાની-મોટી ભુલો પ્રશ્નપત્રમાં હોવાનું સામે આવ્‍યું છે. જેમાં પ્રશ્ન નંબર-૫માં લેપવિંગમાંથી શબ્‍દો પુછવાના હોય છે, પરંતુ તેના બદલે લિંગર શબ્‍દ પુસ્‍તકના કાવ્‍યમાંથી પુછવામાં આવ્‍યો છે. પ્રશ્ન નંબર-૧૧માં એ અને ડી બંને ઓપ્‍શન સાચા હોવાનું સામે આવ્‍યું છે. જયારે પ્રશ્ન નંબર-૧૨માં પ્રશ્નની પાછળ ઉદગાર ચિહ્ન મુકવાનો રહી ગયો છે. પ્રશ્ન નંબર-૧૩માં  mam લખવામાં આવ્‍યું છે, જે તદ્દન ખોટું છે. ખરેખર ma’am આ રીતે લખેલુ હોવુ જોઈએ. પ્રશ્ન નંબર-૫૦માં નેશનલ પાર્કમાં ગ્રામરની ભુલ જોવા મળે છે. નેશનલમાં પહેલો અક્ષર કેપિટલ હોવો જોઈએ જે કરવામાં આવ્‍યો નથી. જયારે પ્રશ્ન નંબર-૫૧માં ૪ માર્કના પ્રશ્નમાં પાંચ લાઈન પુછવામાં આવી હોવાનું સામે આવ્‍યું છે. આમ, સમગ્ર પ્રશ્નપત્રને જોતા નાની- મોટી ૯ જેટલી ભુલો થઈ હોવાનું જાણવા મળે છે. જોકે, આ ભુલો પૈકી એક-બે ભુલોને બાદ કરતા અન્‍ય ભુલોથી વિદ્યાર્થીઓને નુકશાન જવાની શક્‍યતા નથી.

પ્રશ્ન નંબર-૧૪માં છોકરીનું નામ વીણા છે તે અંગ્રેજીમાં Wina લખવામાં આવ્‍યું છે. ખરેખર Vina અથવા Veena એમ લખાયેલું હોવું જોઈએ. પ્રશ્ન નંબર-૩૦થી ૩૨માં ફકરો આપવામાં આવ્‍યો છે. જેમાં પુસ્‍તકમાંથી એક ફકરો લઈને લખવામાં આવ્‍યો છે. જોકે, પુસ્‍તકમાંથી લેવામાં આવ્‍યા બાદ પણ તેમાં સ્‍પેલિંગ ખોટો લખાયો છે. પ્રશ્નમાં Neely લખવામાં આવ્‍યું છે. પરંતુ પુસ્‍તકમાં Nealys એમ લખાયેલું છે. એક જ ફકરામાં બે વખત આ ભુલ થયેલી જોવા મળે છે.

(10:15 am IST)