Gujarati News

Gujarati News

News of Saturday, 23rd December 2017

ગાંધીનગર સે-4માં પીવાના પાણીની સમસ્યાથી લોકોને હાલાકી

ગાંધીનગર:પાટનગરના લોકોને પુરતાં પ્રમાણમાં પીવાનું પાણી પ્રાપ્ત થઇ શકે તે માટે થોડા સમય અગાઉ જ પાઇપલાઇનો બદલવામાં આવી હતી. પરંતુ હજુ પણ ઘણા સેક્ટરોમાં પુરતાં પ્રેશરથી પાણી નહીં મળવાની બુમરાણ ઉઠવા પામી છે ત્યારે સેક્ટર-૪એ માં છેલ્લા ઘણા સમયથી પીવાનું પાણી પુરતુ નહીં મળતાં રહિશોમાં પણ રોષ ઉભો થયો છે.

પીવાના પાણીનું પાટનગરમાં વસવાટ કરતાં લોકોને પુરતાં પ્રમાણમાં વિતરણ થઇ શકે તેમજ ફોર્સથી આપી શકાય તે અંતર્ગત તંત્ર દ્વારા થોડા સમય અગાઉ જ નવા સેક્ટરોમાં પીવાના પાણીની પાઇપલાઇન નાંખવામાં આવી હતી. પરંતુ હજુ પણ ઘણા સેક્ટરોમાં પુરતાં પ્રેસરથી પીવાનું પાણી નહીં મળવાની ફરિયાદો મળી રહી છે. ત્યારે સેક્ટર-૪/એમાં વસવાટ કરતાં ૨૦૦થી વધુ પરિવારો છેલ્લા ઘણા સમયથી પુરતાં પ્રેસરના પાણી માટે વલખા મારી રહ્યાં છે.

અગાઉ પાણી વિતરણની વ્યવસ્થા વખતે પાણીની ટાંકી પણ ભરાતી હતી પરંતુ પુરતા પ્રેસરથી પાણી નહીં મળવાની સમસ્યા જ્યાંરથી સર્જાઇ છે ત્યારથી ટાંકી પણ ભરાતી નથી. ના છુટકે સ્થાનિક રહિશોને ઇલેકટ્રીક મોટરનો સહારો લઇને પાણી ખેંચવું પડે છે જેના પગલે અન્ય વિસ્તારોમાં પણ પાણીની બુમરાણ મચી ગઇ છે. પુરતા પ્રેસરથી પાણી નહીં મળતાં રહિશોમાં પણ તંત્ર સામે રોષ ઉભો થયો છે અને આ સમસ્યાનું નિરાકરણ આવે તેમજ પુરતાં પ્રેસરથી પાણી પ્રાપ્ત થઇ શકે તેવી માંગ પણ ઉઠવા પામી છે.

(6:46 pm IST)