Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2024

રેકોર્ડબ્રેક તેજી બાદ સોનાના ભાવમાં ત્રણ સેશનમાં 2 હજારથી વધુનો ઘટાડો: ભાવમાં કેમ થયો કડાકો?

ફેડ રિઝર્વના રેટમાં ઘટાડો અને ઈરાન-ઇઝરાયેલ યુદ્ધની આશંકા વધતા જોરદાર ઉછાળો આવ્યો હતો

અમદાવાદ : છેલ્લાં કેટલાંક દિવસમાં રેકોર્ડ તેજી બાદ ગોલ્ડ 73 હજાર રુપિયા પ્રતિ 10 ગ્રામના ભાવ પર જોવા મળ્યું હતું, પરંતુ શુક્રવારે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સોનું ત્રણ ટ્રેડિંગ સેશનમાં ઘટીને 70,451 રુપિયાએ આવી ગયું છે. એટલે કે ગોલ્ડના ભાવમાં 2 હજાર રુપિયાથી વધુનો ઘટાડો નોંધાયો છે. એટલું જ નહીં ચાંદીના ભાવમાં પણ મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે.

લગ્નની સીઝનમાં સોના-ચાંદીની ખરીદી કરનારને મોટી રાહત મળી છે. ગોલ્ડની સાથે જ MCX પર ચાંદીના ભાવ ત્રણ ટ્રેડિંગ સેશનમાં દિવસમાં ઘટીને 80 હજાર રુપિયા નીચે આવી ગયા છે. માત્ર આજે સિલ્વરના રેટમાં 1000 રુપિયાનો ઘટાડો નોંધાયો છે. સિલ્વરના ભાવ શુક્રવારે એટલે કે 19 એપ્રિલે 83,507 રુપિયા પ્રતિ કિલો હતા, જે ત્રણ ટ્રેડિંગ દિવસમાં 3926 રુપિયા પ્રતિ કિલો ઘટીને 79,581 રુપિયા થઈ ગયા છે.


શુક્રવારે MCX પર સોનાના ભાવ 72,806 રુપિયા પ્રતિ 10 ગ્રામ બંધ થયા હતા. તો સોમવારે સોનાના ભાવ 1300 રુપિયાના ઘટાડાની સાથે 71,522 રુપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયા હતા. તો આજે સોનું 746 રુપિયા ઘટીને 70,451એ પહોંચી ગયો છે. એવામાં ત્રણ દિવસમાં ગોલ્ડના ભાવમાં 2355 રુપિયા પ્રતિ 10 ગ્રામનો ઘટાડો નોંધાયો છે.

ગ્લોબલ માર્કેટની વાત કરીએ તો શુક્રવારે મોટા ઉલટફેર દરમિયાન અમેરિકી માર્કેટમાં સોનું 2% ઘટીને 2,341.9 ડોલર પ્રતિ ઔંસ પર આવી ગયા, જે એક વર્ષમાં દૈનિક સૌથી મોટો કડાકો છે. સોમવારે ગોલ્ડના ભાવ 2,370 ડોલર પ્રતિ ઔંસ હતા, જે આજે ઘટીને 2,306 ડોલર પ્રતિ ઔંસ થઈ ગયા છે.
ફેડ રિઝર્વના રેટમાં ઘટાડો થશે તેવી આશંકા ઓછી થવાને કારણે સોના-ચાંદીના રેટ જોરદાર ઉછાળો આવ્યો હતો. આ સાથે જ ઈરાન-ઇઝરાયેલ યુદ્ધની આશંકા વધતા પીળી ધાતુ અને ચાંદીના રેટ રેકોર્ડ હાઈ પર પહોંચ્યા હતા. જો કે હવે ઈરાન-ઇઝરાયેલ વોરની આશંકા ઘટી છે જેના કારણે સોના-ચાંદીના ભાવમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે.

 

(8:41 pm IST)