Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

સુરતના ખટોદરા પોલીસે દુકાનોને નિશાન બનાવી ચોરી કરતી ગેંગને ઝડપી : ચોરીના બે ગુન્હાનો ભેદ ઉકેલ્યો

પોલીસે રોકડ તેમજ હથિયાર મળી કુલ 41 હજાર રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો

સુરતના ખટોદરા પોલીસે દુકાનોને નિશાન બનાવી ચોરીને અંજામ આપતી ગેંગને ઝડપી પાડી છે.આ ગેંગ રાત્રિના અંધકારનો લાભ લઈ બંધ દુકાનોને નિશાન બનાવી ચોરીને અંજામ આપતી હતી. તેમની પાસેથી પોલીસે રોકડ તેમજ હથિયાર મળી કુલ 41 હજાર રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસે ચોરીના બે ગુનાઓ પણ ઉકેલી કાઢ્યા છે.

  સુરતના ખટોદરા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી તસ્કરોએ દુકાનોને ટાર્ગેટ કરી ચોરી થતી હતી, તેના આધારે સુરત ખટોદરા પોલીસ આ ચોરી કરતી ગેંગને પકડવા માટે તપાસ શરૂ કરી હતી. ત્યારે ખટોદરા પોલીસને બાતમી મળી હતી કે રાત્રી દરમિયાન બંધ દુકાનોને નિશાન બનાવતી ગેંગ હાલ સુરતના બમરોલી બ્રિજના નાકે ફરી રહી છે.

  જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી આ ગેંગને ઝડપી પાડી હતી. જેઓની અંગ ઝડતી કરતા તેમની પાસે રોકડ અને અલગ અલગ તીક્ષ્ણ સાધનો મળી આવ્યા હતા. જે અંગે પૂછપરછ કરતા ઉડાવ જવાબ મળતા પોલીસે તેમની ધરપકડ કરી રૂ 41 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

  ખટોદરા પોલીસે આ પકડાયેલા આરોપીઓની પૂછપરછ કરતા એક પછી એક હકીકત સામે આવવા લાગી હતી. તેમની તપાસમાં તેઓએ પોતાનું નામ રાહુલ રાવળ, રાહુલ જયસવાલ અને સંતોષ કોલી જણાવ્યું હતું. આ ગેંગ રાત્રી દરમિયાન અલગ અલગ વિસ્તારોમાં ફરતી હતી અને જ્યાં બંધ દુકાન હોય ત્યાં નિશાન બનાવતા હતા અને ચોરીને અંજામ આપતા હતા.

  વધુમાં અગાઉ રાહુલ ઉધના અને નવસારી પોલીસ મથકમાં ચોરીના ગુનાઓમાં ઝડપાઈ ચુક્યો છે. આ ઉપરાંત ખટોદરા પોલીસ મથકમાં બે ચોરીના ગુનાઓની કબૂલાત પોલીસ સમક્ષ કરી હતી. હાલ તો પોલીસે તમામને કોર્ટમાં રજૂ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.

 

(10:47 pm IST)