Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

વડોદરા:રાત્રીના સમયે કોલસાની સગડી ચાલુ રાખી સુતેલ દંપતીનું ગૂંગળાઈ જવાથી મૃત્યુ નિપજતા અરેરાટી મચી જવા પામી

વડોદરા: રાતે ઠંડીથી રક્ષણ મેળવવા માટે કોલસા ભરેલી સગડી ચાલુ રાખીને રૃમના બારી બારણા બંધ કરીને સૂઇ ગયેલા દંપતીનું ઝેરી  ગેસના કારણે  ગૂંગળાઇ જવાથી   મોત થયું છે.જે અંગે છાણી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ,કરચિયા રોડની વૃંદાવન સોસાયટીમાં રહેતા વિનોદભાઇ ડાહ્યાભાઇ સોલંકી (ઉ.વ.૪૯) રણોલીની ખાનગી કંપનીમાં નોકરી કરે છે.તેમનું બીજું ઘર દશરથ ગામથી આજોડ ગામ તરફ જવાના રસ્તા પર આવેલી ક્રિષ્ણાવેલી સોસાયટીમાં છે.તેઓ અઠવાડિયામાં બે - ત્રણ વખત આ ઘરમાં ઊંઘવા માટે આવે છે.ગઇકાલે રાતે વિનોદભાઇ અને તેમના પત્ની ઉષાબેન ક્રિષ્ણાવેલી સોસાયટીના ઘરમાં ઊંઘવા માટે આવ્યા હતા.રાતે તેઓ ઠંડીના કારણે એક તગારામાં કોલસા ભરી તાપણું  ચાલુ રાખીને સૂઇ ગયા હતા.સવારે તેમના પુત્રે ફોન કરતા તેઓએ ફોન રિસિવ કર્યો નહતો.જેથી,મોટો પુત્ર  અને ભત્રીજો ત્યાં  પહોંચી ગયા હતા.ત્યાં જઇને તેઓએ ઘરનો દરવાજો ખખડાવતા માતા - પિતાએ  દરવાજો ખોલ્યો નહતો.જેથી,મકાનના પાછળના દરવાજાની સાંકળ ખોલીને તેઓ અંદર ગયા હતા.ઘરમાં જઇને તેમણે ઉપરના માળે બેડરૃમમાં તપાસ કરતા દરવાજો અંદરથી બંધ હતો.તેમણે લાત મારી દરવાજો ખોલતા બેડરૃમની પથારી પર તેમના માતા પિતાના મૃતદેહ હતા.જે અંગે છાણી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે સ્થળ  પર જઇને તપાસ કરી બંને મૃતદેહને પી.એમ.માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યા છે.પોલીસને રૃમમાંથી કોઇ દવા કે અંતિમ ચિઠ્ઠી મળી નથી.પોલીસનું અનુમાન છે કે,રાતે કોલસાની સગીડી ચાલુ રાખીને તેઓ સૂઇ ગયા હતા.અને રૃમના બારી બારણા બંધ હોવાથી ઝેરી વાયુની અસરના કારણે ગૂંગળાઇ જવાથી  તેઓના મોત નિપજ્યા હોવાની શક્યતા સેવાઇ રહી છે.જોકે,પી.એમ.રિપોર્ટ આવ્યા પછી જ મોતનું સાચું કારણ જાણી શકાશે.

(7:42 pm IST)