Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

સુરતના અમરોલી વિસ્તારમાં ટોબેકો વેપારીનો મોબાઈલ આંચકી ગઠિયો રફુચક્કર

સુરત: મિત્રો સાથે નાઇટ વોકમાં નીકળેલા અમરોલીના ટોબેકો વેપારીના હાથમાંથી મોબાઇલ આંચકી ભાગવા જતા બાઇક ચાલક સ્નેચરને રંગેહાથપકડીને મેથીપાક આપી પોલીસને હવાલે કર્યો હતો. જયારે તેનો સાથીદાર ભાગી જતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. 

 અમરોલીના ક્રોસ રોડ શોપીંગ સેન્ટરમાં ટોબેકોની દુકાન ધરાવતા સમીર યોગેશ પાલેજા (ઉ.વ. 38 રહે. સ્વસ્તિક રો હાઉસ, જૂના કોસાડ રોડ, અમરોલી અને મૂળ. ભાયાવદર, તા. ઉપલેટા, જિ. રાજકોટ) ગત રાતે જમ્યા બાદ મિત્ર હાર્દીક પટેલ, મનસુખ સખપરીયા અને મનસુખ માલવીયા નાઇટ વોકમાં નીકળ્યા હતા. દરમિયાનમાં અમરોલીના એ.એલ. ફાર્મ પાસે સમીર તેના મોબાઇલ પર વાત કરી રહ્યો હતો ત્યારે બાઇક પર ઘસી આવેલા બે સ્નેચરોએ મોબાઇલ આંચકી લઇ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. સમીરે બાઇક પાછળ દોટ લગાવતા સ્નેચરોની બાઇક સ્લીપ થઇ જતા પાછળ બેસેલો સ્નેચર ભાગી ગયો હતો જયારે બાઇક ચાલક સ્નેચર મુસ્તુફા સલીમ શેખ (રહે. કોસાડ આવાસ એચ-2 બિલ્ડીંગ, અમરોલી) પકડાઇ જતા તેને માર મારી અમરોલી પોલીસે હવાલે કર્યો હતો. જયારે ભાગી જનાર તેના સાથીદાર સોહેલ સુલતાન શેખ (રહે. માનદરવાજા, રીંગરોડ) ને વોન્ટેડ જાહેર કર્યો હતો. પોલીસે સ્નેચરની બાઇક નં. જીજે-19 બીબી-8404 કબ્જે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

(7:39 pm IST)