Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

નડિયાદમાં સસ્તામાં ઇલેક્ટ્રિક ઉપકરણો લેવાની લાલચમાં યુવકને 49 હજાર ગુમાવવાની નોબત આવી

નડિયાદ : ગુજરાત ગેસ કંપનીમાં શિફ્ટ એન્જિનિયર તરીકે ફરજ બજાવતા એક યુવકને પાંચ મહિના જૂનું એ.સી., ડબલ બેડ પલંગ, વોશિંગ મશીન, એલઇડી ટીવી, ફ્રીજ, શોભા અને ઇન્વેટર રૂ. ૬૦ હજારમાં વેચવાની લાલચ આપી યુવક પાસેથી રૂ. ૪૯ હજારની ઓનલાઈન છેતરપિંડી કરી હતી. આ સંદર્ભે યુવકની ફરિયાદના આધારે નડિયાદ રુરલ પોલીસે બે મોબાઈલ ધારકો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

નડિયાદ તાલુકાના હાથનોલી ભોઈવાસમાં કિરણ અમૃતભાઈ ભોઈ રહે છે. તે નડિયાદ સંતરામ ડેરી રોડ પર આવેલ ગુજરાત ગેસ કંપની લિમિટેડમાં શીફ્ટ એન્જિનિયર તરીકે ફરજ બજાવે છે. દરમિયાન તેના મોબાઈલ ફોન પર એક અજાણ્યા ફોન નંબર પરથી ફોન આવ્યો હતો અને પોતે એરફોર્સમાં સીઆઇએસએફ ઓફિસર બરોડા એરપોર્ટ માંથી બોલતા હોવાનું કહી પોતાનું નામ સુમિતકુમાર જણાવ્યું હતું. તેણે જણાવેલું કે મારે પાંચ માસ જૂનો એસી, ડબલ બેડ પલંગ, વોશિંગ મશીન, એલઈડી ટીવી, ફ્રીજ, સોફા અને ઇન્વેટર વેચવાના છે. સસ્તા ભાવે આપવાનો છે. 

જેથી કિરણએ  બે માસ બાદ બેનના લગ્ન આવતા હોવાથી સસ્તું અને સારું હોય તો લઈ લઉં તેમ વિચારી ફોટા મંગાવ્યા હતા. જેમાં આ વસ્તુઓની કિંમત રૂ. ૬૦ હજાર જણાવી હતી.

વાતચીત દરમિયાન કિરણે પ્રથમ રૂ. ૧૧ હજાર ગૂગલ પે થી સુમિત ના મોબાઈલ નંબર ઉપર મોકલી આપ્યા હતા. ત્યારબાદ સુમિતે મિટિંગમાં બેઠો છું, ડ્રાઇવર સાથે વાત કરજો તેમ જણાવી તેનો ફોન બંધ કરી દીધો હતો. બાદમાં ડ્રાઇવરે ગાડીમાં સામાન પેક કરી દીધો છે તેમ જણાવી જીએસટીનો ચાર્જ ભરવાનો બાકી છે તેમ કહી રૂ. ૧૮૭૦૦ મોકલવા કહેલું. જે રકમ પણ ગૂગલ પેથી ચૂકવ્યા છતાં સામાન આવ્યો નહોતો. સામાન ન આવતાં કિરણભાઈને  છેતરપિંડી થઈ હોવાનું માલૂમ પડયું હતું.

(7:33 pm IST)