Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

વડોદરામાં કોલસાની સગડી સળગાવીને સૂઈ ગયેલ દંપતીનું ધૂમાડાના ગૂંગળામણથી મોત

દશરથ વિસ્તારના કૃષ્ણવિલા સોસાયટીની ઘટના: પુત્ર હાર્દિકે દરવાજો ખોલતા માતા પિતા મૃત હાલતમાં મળ્યા : છાણી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

વડોદરામાં ઘરમાં એક દંપતીએ ઠંડીથી બચવા માટે તાપણું કર્યું હતું  બાદ તેઓ સૂઇ ગયા હતા અને ઘરમાં ધૂમાડો થઇ જતા આ દંપતીનું ગૂંગળામણના લીધે મોત નિપજ્યું છે, આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઇ ગઇ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરાના દશરથ વિસ્તારના કૃષ્ણવિલા સોસાયટીમાં રહેતા વિનોદ ભાઇ સોલંકીએ ગઇકાલે મોડી રાત્રે ઘરમાં પોતાની પત્ની ઉષા સોલંકી સાથે ઠંડીથી બચવા માટે  કોલસાની સગડી સળગાવી હતી બાદમાં તેઓ સૂઇ ગયા હતા, જેના લીધે ઘરમાં ધૂમાડો ચોમેર થઇ ગયો હતો જેના લીધે દંપતીનું ગૂંગળામળથી મોત નિપજ્યું હતું.

નોંધનીય છે કે જ્યારે દંપતીનું પુત્ર હાર્દિકે ઘરનો દરવાજો ખોલ્યો ત્યારે માતા-પિતા મૃત હાલતમાં મળી આવ્યા હતા. ઘરમાં કોલસાની સગડીના લીધે ઘરમાં ધૂમાડો ફેલાઇ ગયો હતો એટલે કે કાર્બન ડાયોકસાઇડના ધૂમાડાને લઇને દંપતીનું મોત નિપજ્યું હતું. આ મામલે છાણી પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે

 

(7:24 pm IST)