Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

ગુજરાતમાં કડકડતી ઠંડી : ઉત્તર ગુજરાતમાં તાપમાનનો પારો 10 ડિગ્રીથી નીચે જઈ શકે :ક્યાંક માવઠાની શકયતા

સૌરાષ્ટ્રમાં સુસવાટા મારતા પવનો ફૂંકાશે જેને લીધે ઠંડીનો પ્રકોપ વધશે. 3 દિવસ બાદ 2-3 ડિગ્રી તાપમાન વધી શકે

અમદાવાદ : રાજ્યમાં હવે કડકડતી ઠંડી પડી રહી છે. આ સાથે જ હવામાન વિભાગે પણ ત્રણ દિવસ હાડ થીજતી ઠંડીની શક્યતા વ્યક્ત કરી છે. બીજી તરફ આવતીકાલથી રાજ્યમાં પવનના સુસવાટા સાથે ઠંડીનો ચમકારો અનુભવાય તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હાલ રાજ્યમાં માવઠાની કોઈ શક્યતા નથી.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્રમાં વધુ ઠંડી પડવાની શક્યતા છે. સૌરાષ્ટ્રમાં સુસવાટા મારતા પવનો ફૂંકાશે જેને લીધે ઠંડીનો પ્રકોપ વધશે. 3 દિવસ બાદ 2-3 ડિગ્રી તાપમાન વધી શકે તેમજ વાદળછાયું વાતાવરણ રહેવાની પણ હવામાન વિભાગે આગાહી કરી છે.

હવામાન નિષ્ણાત અંબાલાલની આગાહીની જો વાત કરવામાં આવે તો 25થી 27 તારીખ સુધી ગુજરાતમાં કડકડતી ઠંડી પડશે. ઉત્તર ગુજરાતમાં તાપમાનનો પારો 10 ડિગ્રીથી નીચે જઈ શકે છે. જેમ જેમ જાન્યુઆરી મહિનો આગળ વધશે તેમ તેમ ઠંડી તેનું જોર વધારશે. આ ઉપરાંત માવઠા પણ ઠંડીની લપેટમાં આવવાની સંભાવના વ્યક્ત કરી છે. તેમજ 23થી 29 જાન્યુઆરી દરમિયાન માવઠું પડે તેવી શક્યતા પણ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે.

(7:23 pm IST)