Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

કોંગ્રેસ ધારાસભ્‍યોને તાલીમ આપશેઃ સરકાર સમક્ષ પ્રશ્નો ઉઠાવવા પૂર્વ અને વર્તમાન સભ્‍યોની ટીમ બનાવાશે

બુધવારે વિપક્ષી નેતા તરીકે કાર્યભાર સંભાળનાર અમિત ચાવડાની અકિલા સાથે વાતચીત

રાજકોટ, તા., ૨૩ : ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા તરીકે નિયુકત થયેલા પુર્વ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શ્રી અમિત ચાવડા તા.રપમીએ સવારે ૧૧ વાગ્‍યે ગાંધીનગર વિધાનસભા ભવન ખાતે કાર્યકરોની હાજરીમાં કાર્યભાર સંભાળનાર છે. કોંગ્રેસને સતાવાર રીતે વિપક્ષનું નેતા પદ આપવા બાબતે સરકારે કોઇ નિર્ણય જાહેર કર્યો નથી પણ કોંગ્રેસ તેની રાહ જોયા વગર વિપક્ષ તરીકે કામગીરી શરૂ કરી દેવા માંગે છે. નવા વિપક્ષી નેતાએ વર્તમાન અને અગાઉના અનુભવી ધારાસભ્‍યો પૈકી પસંદ કરીને ટીમ વર્ક કરવાનું નક્કી કર્યુ છે. ૨૦ ફેબ્રુઆરીથી બજેટ સત્ર શરૂ થઇ રહયું છે તેને અનુલક્ષીને ગૃહમાં ભૂમિકા અંગે પક્ષના ધારાસભ્‍યો માટે તાલીમ વર્ગ યોજાનાર છે.

શ્રી અમિત ચાવડાએ આજે અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે, કોંગ્રેસના નવા ચુંટાયેલા ૧૭ ધારાસભ્‍યો માટે ટુંક સમયમાં તાલીમ વર્ગ યોજાનાર છે. જેમાં વિધાનસભાની અંદર અને બહાર ભૂમિકા અંગે માર્ગદર્શન આપવામાં આવશે. કેટલાક માજી ધારાસભ્‍યો અને વિષય નિષ્‍ણાંતો માર્ગદર્શક તરીકે હાજરી આપશે. અસરકારક વિપક્ષ તરીકે લોકપ્રશ્નોને ધારાસભા સત્રના સમયે અને સત્ર સિવાયના સમયે સરકાર સમક્ષ ઉઠાવવા સરકારી વિભાગવાર વર્તમાન અને પુર્વ ધારાસભ્‍યોની ટીમ બનાવાશે.  જે તે ટીમ પોતાને સોંપાયેલ વિભાગને લગતા પ્રશ્નોનો અભ્‍યાસ કરી તેના નિકાલ માટે રજુઆત કરશે. રાજયમાં કોંગ્રેસ જાગૃત અને મજબુત વિપક્ષ તરીકે ભૂમિકા ભજવશે.

(3:32 pm IST)