Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

આવતા ૫૦ વર્ષમાં મગફળીનું ઉત્‍પાદન ૩૨ ટકા જેટલું ઘટી જશે : ચોંકાવનારો અભ્‍યાસ

કલાઇમેટ ચેન્‍જ અને પાકની પેટર્નની અસર સ્‍વરૂપ

અમદાવાદ તા. ૨૩ : એક અભ્‍યાસમાં વાતાવરણમાં ફેરફારોની અસરો તરફ ધ્‍યાન દોરતા નિષ્‍ણાંતોએ આગાહી કરી છે કે ગુજરાતના મુખ્‍ય ખરીફ પાક મગફળીનું ઉત્‍પાદન આ સદીના અંત સુધીમાં ૩૨ ટકા જેટલું ઘટી જશે. ગુજરાત દેશમાં મગફળીનું સૌથી મોટું ઉત્‍પાદક છે.

લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં અનુક્રમે ૦.૧૧ અને ૦.૧૨ ડીગ્રી સેન્‍ટીગ્રેડના સતત થઇ રહેલા વધારાના આધારે આ અનુમાન કરાયું છે. એવી પણ આગાહી કરાઇ છે કે ૨૦૭૧થી ૨૧૦૦ના વર્ષો દરમિયાન વરસાદમાં ૬૩ ટકા જેટલો વધારો થશે.

વાતાવરણમાં થનારા આ ફેરફારોની અસરને નિવારવા માટે અભ્‍યાસમાં એવું સૂચન કરાયું છે કે અત્‍યારની સરખામણીમાં ત્‍યારે વહેલી વાવણી અને પુરતી સીંધાઇથી આ સ્‍થિતિને નિવારી શકાશે. ‘ઇમ્‍પેકટ એસેસમેન્‍ટ ઓન ગ્રાઉન્‍ડનટ ઇન નોર્થ સૌરાષ્‍ટ્ર એગ્રો - કલાઇમેટીક ઝોન ઓફ ગુજરાત' નામનો આ અભ્‍યાસ નવસારી કૃષિ યુનિવર્સિટીના પી કે પરમાર અને આણંદ કૃષિ યુનિવર્ર્સિટીના એમ જે. વસાણી, એચ આર પટેલ, એસ બી યાદવ અને વી પાંડે દ્વારા કરવામાં આવ્‍યો હતો અને ભારતીય હવામાન વિભાગના મોસમ જર્નલની જાન્‍યુઆરી આવૃત્તિમાં પ્રકાશિત થયો છે. ભારતમાં મગફળીનું ૪૦ ઠકા ઉત્‍પાદન ગુજરાતમાં થાય છે. ૨૦૨૦-૨૧માં ૨.૧૬ લાખ હેકટરમાં વાવણી થઇ હતી અને ૪.૧૬ મીલીયન ટન મગફળીનું ઉત્‍પાદન ગુજરાતમાં થયું હતું, ત્‍યાર પછી રાજસ્‍થાનમાં ૧.૩૯ મીલીયન ટનનું ઉત્‍પાદન હતું. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના ભૂતપૂર્વ ફેકલ્‍ટી મેમ્‍બર કે એલ ડોબરીયાએ કહ્યું કે, વધારે તાપમાન વહેલા અંકૂરણમાં મદદ કરે છે. ખેડૂતો સામાન્‍ય રીતે ઉનાળા અને ચોમાસાના મહિનાઓમાં વાવેતર કરે છે. જો કે ઉનાળામાં સિંચાઇની સુવિધા હોય તેવી જગ્‍યાઓએ જ વાવેતર થતું હોય છે તેમ ટાઇમ્‍સ ઓફ ઇન્‍ડિયા જણાવે છે.

(12:05 pm IST)