Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

સિવિલ હોસ્‍પિટલના નર્સનું બાવડુ ખેંચી નાલામાં ખેંચી જવાનો પ્રયાસઃ બદઇરાદા સાથે આવેલો ઢગો કોણ?

શુક્રવારે સાંજે નોકરી પુરી કરી રિક્ષામાં બેસી માધાપર ચોકડી નજીક મહાવીર રેસિડેન્‍સી તરફ પગપાળા ઘરે જઇ રહેલા નર્સ સાથે બનાવ : નર્સએ કહ્યું-તેણે ઓચીંતા દોટ મુકી મારો હાથ પકડયો અને નાલામાં ખેંચી જવા પ્રયાસ કર્યો, મેં છુટવા માટે ધક્કો માર્યો, તેણે ફરીથી ચારથી પાંચ વખત મને જમીન પર પછાડી, ફરી નાલામાં લઇ જવા કોશિષ કરીઃ મારુ જાકીટ ફાટી ગયું, વાળ તૂટી ગયાઃ છેલ્લે એ ભાગી ગયોઃ પોલીસને અરજી મળતાં તપાસનો ધમધમાટ

જ્‍યાં ઘટના બની હતી એ રસ્‍તો અને નર્સને જેમાં ખેંચી જવાનો પ્રયાસ થયો હતો એ નાલુ જોઇ શકાય છે

 

અમદાવાદ, કચ્‍છ અને ભાવનગરમાં આગામી બે દિવસ માટે કોલ્‍ડ વેવૅની આગાહીઃ યલ્લો એલર્ટ જાહેરઃ સવારથી ધુમ્‍મસભર્યું વાતાવરણઃ રાજ્‍યમાં શીત લહેર યથાવતઃ પાંચેક દિવસ તાપમાન રાજ્‍યમાં ઘટેલું રહેવા સંભવ

રાજકોટ તા. ૨૩: શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં સિવિલ હોસ્‍પિટલમાં ફરજ બજાવતાં એક નર્સ યુવતિ શુક્રવારે સાંજે નોકરી પરથી છુટી રિક્ષા ભાડે કરી માધાપર ચોકડીએ પહોંચ્‍યા બાદ ત્‍યાંથી પગપાળા પોતાના ઘર તરફ જઇ રહ્યા હતાં ત્‍યારે પાછળ પાછળ ચાલીને આવેલા ૩૦ થી ૩૫ વર્ષના એક ઢગાએ ઓચીંતા દોટ મુકી બાવડુ પકડી તેણીને નજીકના નાલામાં ખેંચી જવાનો પ્રયાસ કરતાં નર્સએ પ્રતિકાર કરતાં તેણે ફરીથી બાવડુ પકડયું હતું અને ચાર પાંચ વાર જમીન પર પછાડી દીધા હતાં. નર્સએ હિમ્‍મતપુર્વક સામનો કરતાં બદઇરાદા સાથે આવેલો એ ઢગો ભાગી ગયો હતો. નર્સએ ઘરે પહોંચી પડોશીઓને જાણ કરી હતી અને બાદમાં સારવાર લઇ પોલીસ સ્‍ટેશને પહોંચી લેખિત ફરિયાદ આપી હતી. પોલીસે આ ગંભીર ઘટનામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

નર્સએ લેખિત ફરિયાદ-અરજી આપી છે તેમાં જણાવ્‍યું છે કે હું માધાપર ચોકડી પાસે રહુ છું અને સિવિલ હોસ્‍પિટલમાં નર્સ તરીકે નોકરી કરુ છું. વીસમીએ સાંજે આઠેક વાગ્‍યે મારી નોકરી પુરી થતાં હું હોસ્‍પિટલ ચોકથી રિક્ષામાં બેસી માધાપર ચોકડીએ પહોંચી હતી. ત્‍યાંથી નજીકમાં મારુ રહેણાંક હોઇ ત્‍યાં જવા પગપાળા રવાના થઇ હતી. એ દરમિયાન મારી પાછળ કોઇ ચાલીને આવતું હોવાનો અહેસાસ મને થતાં મેં પાછળ વળીને જોયું હતું. એ સાથે જ એક ૩૦ થી ૩૫ વર્ષનો શખ્‍સ મારી તરફ દોડીને આવ્‍યો હતો અને મારુ બાવડુ પકડી મને નજીકના નાલામાં ખેંચી જવાનો પ્રયાસ કર્યો હતો.

મેં તેનાથી છુટવાનો પ્રયાસ કરી તેને ધક્કો મારી દીધો હતો. તેણે મને ચારથી પાંચ વખત રોડ પર પછાડી દીધી હતી. તેમજ બીજી વાર બાવડુ પકડી નાલામાં ખેંચી જવાનો પ્રયાસ કર્યો હતો. ઝપાઝપીમાં મારુ જેકેટ ફાટી ગયુ હતું અને મારા વાળ પણ તૂટી ગયા હતાં. મેં પ્રતિકાર ચાલુ રાખતાં એ શખ્‍સ મેઇન રોડ તરફ ભાગી ગયો હતો. હું પણ દોડીને ઘરે પહોંચી હતી અને પડોશીઓને ઘટનાની જાણ કરી હતી. પછી કોઇએ ૧૦૮ બોલાવી હતી. મને બંને ગોઠણમાં છોલાઇ જવાને કારણે ઇજા થઇ હતી. પાંસળીઓમાં પણ દુઃખાવો થવા માંડયો હતો. તેમજ હાથમાં છોલાણ થઇ ગયું હતું. હોસ્‍પિટલમાં સારવાર બાદ ગંભીર ઇજા ન હોવાનું જણાવતાં પ્રાથમિક સારવાર લઇ હું પોલીસ સ્‍ટેશને પહોંચી હતી.

અરજીમાં નર્સએ લખ્‍યું છે કે હાલમાં મારે પાકી ફરિયાદ-એફઆઇઆર કરવી નથી. અજાણ્‍યો શખ્‍સ ઓળખાઇ જશે પછી હું એફઆઇઆર કરાવીશ. આ અરજી મળતાં પીઆઇ એસ.એસ. રાણે, પીએસઆઇ જે. જી. રાણા અને ડી. સ્‍ટાફની ટીમે તપાસ આદરી હતી. પોલીસે ઘટના સ્‍થળે પહોંચીને પણ તપાસ કરી હતી. નજીકમાં સીસીટીવી ફૂટેજ હોય તો તે મેળવવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બજરંગવાડી ચોકીના પીએસઆઇ વી. એસ. પરમાર અને મહેશભાઇ કછોટે અરજીને આધારે આગળ તપાસ યથાવત રાખી છે.

જ્‍યાં ઘટના બની એ રસ્‍તો સાવ સુમસામ છે અને સ્‍ટ્રીટ લાઇટો પણ નથી. મહાવીર રેસિડેન્‍સીના રહેવાસીઓએ અઢી વર્ષથી મહાનગર પાલિકામાં રજૂઆતો કરી છે કે અહિ સ્‍ટ્રીટલાઇટો ફીટ કરવામાં આવે. પરંતુ હવે આ ઘટના બનતાં રહેવાસીઓએ પોતાના ખર્ચે લાકડાના થાંભલા ઉભા કરી હાલ પુરતી એલઇડી લાઇટો ફીટ કરાવી દીધી છે. લોકોએ આક્રોશ સાથે કહ્યું હતું કે વેરો ભરતાં હોવા છતાં કોઇ સુવિધા મળી નથી. ત્‍યારે અંધારાનો લાભ લઇ કોઇએ બદઇરાદે નર્સ પર નિર્લજ્જ હુમલો કર્યો છે.

(11:47 am IST)