Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

૧૫૬ બેઠક મળી હોવાથી સુરતના જવેલર્સે મોદીની ૧૫૬ ગ્રામ સોનાની પ્રતિમા બનાવી

નવી દિલ્‍હી,તા.૨૩: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજેપીની જીતની ઉજવણી કરવાના અનોખા અંદાજમાં ગુજરાતના સુરત જિલ્લાના જવેલર્સે ૧૫૬ ગ્રામ સોનામાં વડા પ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીની મૂર્તિ કંડારી છે. વડાપ્રધાન મોદીની ૧૫૬ ગ્રામ વજનની સોનાની મૂર્તિ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સતત સાતમી વખત ભગવા પાર્ટીના જવલંત વિજયની સાખ પૂરે છે.

બીજેપીની પ્રચારઝુંબેશમાં વડા પ્રધાન મોદી મોખરે રહ્યા હતા તથા તેમના ઓરા અને અપીલને પગલે જ બીજેપી ૧૫૬ સીટ પર ચૂંટણી જીતી શકી છે, જેને ધ્‍યાનમાં રાખી વડા પ્રધાન મોદીની યાદગાર પ્રતિકૃતિ બનાવવા સુરતના જવેલરોએ સમાન પ્રમાણમાં સોનાનો ઉપયોગ કર્યો હતો. ૧૮ કેરેટ સોનામાં લગભગ ૧૧ લાખ રૂપિયાના ખર્ચે વડા પ્રધાન મોદીની આ પ્રતિમા સુરતસ્‍થિત જવેલર્સ કંપની રાધિકા ચેઇન્‍સ દ્વારા તૈયાર કરવામાં આવી હતી, જેને ૨૦ જેટલા કારીગરોએ મળીને ત્રણ મહિનામાં તૈયાર કરી હતી.

(11:18 am IST)