Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

ત્રણ વર્ષ પછી દેખાશે વસંત પંચમીની રોનકઃ લગ્નોની ભરમાર

૨૫ જાન્‍યુ.ના બપોરે ૧૨.૩૫થી પાંચમ : ફરીવાર સમાજસ્‍તરે સંખ્‍યાબંધ સમૂહલગ્નોનું આયોજન

સુરત,તા. ૨૩ : હિન્‍દુ સમુદાયમાં ભારે મહાત્‍મય ધરાવતા અને લગ્ન સહિતના શુભ કાર્યો માટે મહત્‍વના અવસર ગણાતા પર્વ વસંતપંચમીની આગામી ગુરુવારે ૨૬ જાન્‍યુઆરીના રોજ રંગારંગ ઉજવણી થશે. ૨૬ જાન્‍યુઆરીએ પ્રજાસત્તાક દિવસની ઉજવણી સાથે જ વસંતપંચમીની રોનક પણ દેખાશે. દરમિયાન કોરોનાકાળ એટલે કે ત્રણ વર્ષ પછી વસંતપંચમી નિમ્‍તિે લગ્નોની ભરમાર સાથે સંખ્‍યાબંધ ધાર્મિક કાર્યક્રમોની ઝાકમઝોળ જોવા મળશે. ત્રણ વર્ષ પછી આ વર્ષે ફરીવાર સમાજસ્‍તરે અનેક સમૂહલગ્નોનું આયોજન કરાયું છે.

નોંધનીય છે કે, તિથિ પર નજર કરીએ તો ૨૫ જાન્‍યુઆરીના બુધવારે બપોરે ૧૨:૩૫ વાગ્‍યાથી પાંચમનો આરંભ થશે. પરંતુ સુર્યોદય તિથિમાં ગુરુવારે વસંતપંચમી ઉજવાશે. આ દિવસે સરસ્‍વતી માતાની પુજાનું પણ મહત્‍વ આંકવામાં આવે છે. મહારાજ કિરીટદત્ત શુકલના જણાવ્‍યા મુજબ, હિન્‍દુ પંચાંગ પ્રમાણે મહાસુદ પંચમીએ વસંત પંચમી પર્વની ઉજવણી કરવામાં આવે છે. મુખ્‍યત્‍વે આ પર્વ જ્ઞાન, વિદ્યા, સંગીત અને કળાની દેવી મા સરસ્‍વતી માટે ઉજવવામાં આવે છે. શાષાો પ્રમાણે આ દિવસે સરસ્‍વતી માતાના જન્‍મ થયો હતો. વસંતપંચમીએ સરસ્‍વતી માળા હાથમાં પુસ્‍તક, વીણા અને માળા લઇને શ્વેત કમળમાં બિરાજમાન થઇને પ્રકટ થયા હતા. વસંતપંચમીથી જ વસંતઋતુની શરૂઆત થાય છે.

સનાતમ ધર્મમાં સરસ્‍વતી માતાની ઉપાસનાનું વિશેષ મહત્‍વ આંકવામાં આવે છે. સરસ્‍વતી માતાની પુજા કરવાની મા લક્ષ્મી અને મહાકાળ માતાના આશીર્વાદ પણ મળે છે. આ વર્ષે ૨૫ જાન્‍યુઆરીના બુધવારે સવારે ૧૨:૩૫ વાગ્‍યે પાંચમની તિથિ શરૂ થશે અને ગુરૂવારે સવારે ૧૦:૨૯ વાગ્‍યે પૂર્ણ થશે. પરંતુ સુર્યોદય તિથિમાં ગુરુવારે વસંતપંચમી, શ્રી પંચમી સરસ્‍વતી પૂજન પર્વની ઉજવણી થશે. ઉ. ભાદ્રપદ, રેવતિ, નક્ષત્ર, શિવ-સિધ્‍ધી યોગમાં વસંત પંચમી ઉજવાશે. (૨૨.૮)

વિક્રમ સંવતની પહેલી ગુપ્‍ત નવરાત્રિનો પણ આરંભ

હિન્‍દુ શાષાોમાં વર્ષમાં કુલ ચાર નવરાત્રિનો સમાવેશ થાય છે. તેમાં બે ગુપ્‍ત નવરાત્રિ આવે છે. રવિવારે મહાસુદ એકમથી ગુપ્‍ત નવરાત્રિનો આરંભ થઇ ગયો છે. આગામી ૩૦ જાન્‍યુઆરીના મહાસુદ નવમી સુધી મહાનવરાત્રિ રહેશે. ત્‍યારબાદ આધ્‍યાત્‍મિક, ધાર્મિક રીતે મહાત્‍મય ધરાવતી ચૈત્ર નવરાત્રિ આવશે. અષાઢ માસની ગુપ્‍ત નવરાત્રિ બાદ આદ્યશકિતની આરાધના અને ગરબા-દાંડિયારાસ માટે જાણીતી આસો માસની નવરાત્રિ આવશે. ચારેય નવરાત્રિમાં શકિતના ઉપાસકો દેવી ભગવતીની કથા, પાઠ, મંત્ર જાપ, અનુષ્‍ઠાન ઉપવાસ કરે છે.

લગ્નોની ધૂમ વચ્‍ચે ઇવેન્‍ટ ઇન્‍ડસ્‍ટ્રીમાં ભારે હલચલ

કોરોના મહામારી અને તે સાથે જ મુકવામાં આવેલા કોરોના નિયંત્રણોને કારણે ઇવેન્‍ટ ઇન્‍ડસ્‍ટ્રી પર છેલ્લા ત્રણ વર્ષમાં માઠી દશા જોવા મળી હતી. કેટરિંગ, મંડપ ડેકોરેશન, ઇવેન્‍ટ ઓર્ગેનાઇઝેશન, ફોટોગ્રાફી સહિત લગ્ન આયોજનો સાથે સંકળાયેલા અનેક ઉદ્યોગો, ક્ષેત્રોમાં ચિંતા વધી ગઇ છે. જો કે આ વર્ષે લગ્નસરાની નવી મોસમમાં લગ્ન આયોજનની ધૂમ વચ્‍ચે ઇવેન્‍ટ ઇન્‍ડસ્‍ટ્રીની રોનક પાછી ફરી છે. વસંતપંચમીએ સંખ્‍યાબંધ લગ્નો વચ્‍ચે કેટરિંગ, મંડપ ડેકોરેશન માટે એડવાન્‍સડ બુકિંગ થઇ ગયું છે. તેમજ આયોજનોને લઇ ભાગદોડ ચાલી રહી છે.

(1:31 pm IST)