Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

ઉમરેઠમાં યુવતીની હત્‍યાનો પ્રયાસ : ગળામાં છરીના ઘા માર્યા

યુવતી પર હુમલો કરી યુવક ફરાર : યુવક - યુવતી એક દિવસ પહેલા જ ભાડે રહેવા આવ્‍યા હતા : હુમલા અંગે પોલીસે તપાસ આદરી

આણંદ તા. ૨૩ : ઉમરેઠની કાછીયાપોળમાં એક દિવસ પહેલા જ ભાડે રહેવા આવેલ યુવક-યુવતી વચ્‍ચે ઝઘડો થતાં યુવકે યુવતીને ગળે છરી ચલાવી મારી નાખવાનો પ્રયાસ કરાયો હતો. જો કે યુવતીએ બુમરાણ મચાવતા આસપાસના રહીશોએ એકત્ર થઈ જતા તેણીને સારવાર અર્થે હોસ્‍પિટલમાં ખસેડાઈ હતી. આ બનાવ અંગે ઉમરેઠ પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.

વધુમાં મળતી માહિતી મુજબ ઉમરેઠની કાછીયાપોળ ખાતે ગઈકાલે એક યુવક-યુવતી ભાડાના મકાનમાં રહેવા માટે આવ્‍યા હતા. દરમ્‍યાન આજે વહેલી સવારથી જ આ યુવક-યુવતી વચ્‍ચે કોઈક બાબતે ઝઘડો ચાલતો હતો. ઝઘડાને કારણે બપોરના સુમારે યુવકે યુવતીના ગળા ઉપર છરી મારી યુવતીને બાથરૂમમાં પુરી દીધી હતી અને યુવક મકાનને બહારથી તાળુ મારી નીકળી ગયો હતો. જો કે ઘરમાં ઘાયલ પડેલ યુવતીએ બુમરાણ મચાવતા આસપાસના રહીશો એકત્ર થઈ ગયા હતા અને આ બાબતે મકાન માલિકને જાણ કરી હતી. જેથી મકાનમાલિક તુરંત જ ત્‍યાં દોડી આવ્‍યા હતા અને મકાન ખોલતાં જ  બાથરૂમમાં ઘાયલ યુવતી ઢળી પડેલ હાલતમાં મળી આવી હતી. જેથી પોળના રહીશોએ તાત્‍કાલિક ૧૦૮ને જાણ કરતા ૧૦૮ની ટીમ ઘટના સ્‍થળે દોડી આવી હતી અને ઈજાગ્રસ્‍ત યુવતીને તુરંત જ નડિયાદની સિવિલ હોસ્‍પિટલ ખાતે ખસેડાઈ હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. આ ઘટનાની જાણ થતાં જ ઉમરેઠ પોલીસની ટીમ પણ ઘટના સ્‍થળે દોડી આવી હતી અને આ અજાણ્‍યા યુવક-યુવતી ક્‍યાંના છે તે અંગે તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળ્‍યું છે.

(11:01 am IST)