Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

G 20 હેઠળ મહાત્મા મંદિર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ ’B-20 ઇન્સેપ્શન’ મિટિંગ

ગુજરાતની આગવી ઓળખ એવા ગરબા, રાસ,પરંપરાગત આદિવાસી નૃત્ય સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો નિહાળીને સહભાગી ડેલિગેટ્સ રાષ્ટ્ર તથા આમંત્રિતો પ્રભાવિત થયા

ગાંધીનગર : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતને જી-20નું યજમાન પદ મળ્યું છે. આ G20ની સૌપ્રથમ B 20 ઈન્સેપ્શન મીટ B-20 Inception ગુજરાતના ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે શરૂ થઈ છે. B-20 Inception ના સહભાગી ડેલિગેટ્સ રાષ્ટ્ર તથા આમંત્રિતો માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મહાત્મા મંદિર ખાતે બહુ વિધ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

G 20 હેઠળ ગાંધીનગરમાં આયોજિત’B-20 ઇન્સેપ્શન’ મિટિંગમાં સહભાગી થવા ગુજરાતના મહેમાન બનેલા રાષ્ટ્રીય- આંતરરાષ્ટ્રીય મહાનુભાવો એમ્ફી થિયેટર, મહાત્મા મંદિર,ગાંધીનગર ખાતે વિવિધ કલાકારો દ્વારા  રજૂ કરાયેલા ગુજરાતની આગવી ઓળખ એવા ગરબા, રાસ,પરંપરાગત  આદિવાસી નૃત્ય સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો નિહાળીને પ્રભાવિત થયા હતા.

આ કાર્યક્રમમાં ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપુત, સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, મુખ્ય સચિવ પંકજકુમાર સહિત વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યમાં આવી કુલ 15 બેઠક યોજવવામાં આવશે. આ બેઠક 24 જાન્યુઆરી સુધી ચાલશે. આ મહત્વની જી-20 બેઠકમાં 500થી વધુ આમંત્રિતો હાજર રહ્યા હતા. આ બેઠકમાં વિશ્વભરની 200થી વધુ  હસ્તિઓ ઉપસ્થિત રહી હતી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૂરદર્શી નેતૃત્વમાં ભારતને એક વર્ષ માટે G20ની અધ્યક્ષતા પ્રાપ્ત થઇ છે. ભારતને અધ્યક્ષતા મળી છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાત પણ અલગ અલગ સ્થળોએ કુલ 15 G20 બેઠકોની યજમાની કરવા માટે તૈયાર છે. ગુજરાતમાં યોજાનારી બેઠકોમાંથી પ્રથમ બેઠક “બિઝનેસ-20 (B20) ઇન્સેપ્શન”ની બેઠક 22 થી 24 જાન્યુઆરી દરમિયાન ગાંધીનગર ખાતે શરૂ થઈ ચૂકી છે.

ઉલ્લેખનીય છે કે કોરોનાકાળમાં વિશ્વનો અર્થતંત્ર ખોરવાયો હતો જેના પગલે હવે  વિશ્વમાં મંદીના વાદળોની આશંકા સેવાઇ રહી છે તેના પર વિશેષ ચર્ચા કરવામાં આવશે.  ગુજરાત સરકાર બાજરીમાંથી તૈયાર કરેલી ફ્યુઝન વાનગીઓ પિરસશે. એટલે કે આ વાનગીઓમાં કોન્ટિનેન્ટલ અને ભારતીય વાનગીઓનું સંમિશ્રણ કરીને તેમને આપવામાં આવશે. આ તમામ વાનગીઓ શુદ્ધ શાકાહારી હશે.  આ ઉપરાંત હોટલ લીલામાં એક પ્રદર્શન પણ યોજાવવાનું છે. આ પ્રદર્શનમાં  ગુજરાતની હસ્તકલાઓ પિથોરા પેઈન્ટીંગ, અકીક, ભરતગૂંથણ, કલમકારી, બાંધણી, રોગન આર્ટ, બીડવર્ક, ટંગાળીયાનું લાઇવ નિદર્શન કરાયું હતું.

 

(11:19 pm IST)