Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

સુરતમાં પઠાણ ફિલ્મનો વિરોધ કરનાર સામે રાયોટિંગની ફરિયાદ : ટોળાએ ટોકિઝમાં કરી તોડફોડ : પોસ્ટરો અને બેનરો ફાડી નાખ્યા

રાંદેર રોડ પરની રૂપાલી ટોકીઝમાં 8 જેટલા લોકોના ટોળાએ તોડફોડ કરી: ફિલ્મના પોસ્ટર ફાડી નાખી પઠાણ ટોકિઝના કર્મચારીઓને ધમકાવ્યા: CCTVના આધારે પોલીસો 8 આરોપી સામે રાયોટિંગનો ગુનો નોંધી તપાસ હાથ ધરી

સુરતમાં પઠાણ ફિલ્મનો વિરોધ કરનાર સામે રાયોટિંગની ફરિયાદ નોંધાઈ છે. ગત સાંજે રાંદેર રોડ પરની રૂપાલી ટોકીઝમાં 8 શખ્સોએ આવીને તોડફોડ કરી હતી, પઠાણ ફિલ્મની સ્ટેન્ડી, નાના-મોટા પોસ્ટર ફાડી નાખ્યા હતા અને શખ્સોએ ટોકીઝના કર્મીને ધમકાવ્યા હતા. જે બાદ રાંદેર પોલીસે પરિસ્થિતિ પર કાબુ મેળવી કાર્યવાહી હાથ ધરી હતી. CCTVના આધારે પોલીસો 8 આરોપી સામે રાયોટિંગનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

છેલ્લા ઘણા સમયથી શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ સ્ટારર ફિલ્મ પઠાણનો વિવાદ ચાલી રહ્યો છે. ફિલ્મની અંદર બેશરમ સોંગમાં દીપિકાએ કેસરી બિકનીમાં પહેરતા વિવાદ થયો છે. જેનો હિંદુ સંગઠનોએ વિરોધ નોંધાવ્યો છે. ત્યારે હવે રાંદેરમાં પણ હિંદુવાદી સંગઠનોના લોકોએ મુવીના બેનરો ફાડી ફરી એકવાર વિરોધ કર્યો છે.

આ તરફ ગુજરાતમાં વિરોધ વચ્ચે પઠાણ ફિલ્મના એડવાન્સ બુકિંગની શરૂઆત થઈ ગઈ છે. સરકારે સુરક્ષાની ખાતરી આપતા થિયેટરોમાં ઓનલાઇન-ઓફલાઇન બુકિંગની શરૂઆત થઇ ગઇ છે. પઠાણ ફિલ્મના રિલીઝ સમયે થિયેટરમાં સંબંધિત પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ બંદોબસ્તમાં રહેશે. PSI,પોલીસ કોન્સ્ટેબલ અને હોમગાર્ડ સહિતનો સ્ટાફ સુરક્ષામાં તૈનાત રહેશે. મહત્વપૂર્ણ છે કે 25 જાન્યુઆરીએ પઠાણ ફિલ્મ રિલીઝ થવાની છે, ત્યારે ફિલ્મના કેટલાક દ્રશ્યોને લઈને કેટલાક સંગઠનો વિરોધ નોંધાવી રહ્યા છે.

(10:43 pm IST)