Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

નર્મદા જિલ્લામાં દિલ્હી- મુંબઈ 4 લેન નેશનલ હાઈવે મુદ્દે આંદોલનના એંધાણ

દિલ્હી- મુંબઈ નેશનલ હાઈવે મુદ્દે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ તંત્રને લખ્યો સણસણતો પત્ર: 70% ખેડૂતોની મંજુરી વિના જો જમીન સંપાદન થશે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું: ચૈતરભાઈ વસાવાની ચીમકી: પેસા એક્ટ મુજબ ગ્રામસભાની પરવાનગી અને લોક સુનાવણી વિના 70% ખેડૂતોની સંમતિ વગર સંપાદનની કામગીરી હાથ ધરાઈ છે: ચૈતરભાઈ વસાવાનો આક્ષેપ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: દિલ્હી- મુંબઈ 4 લેન નેશનલ હાઈવે નર્મદા જિલ્લામાંથી પસાર થવાનો છે.ત્યારે જમીન સંપાદનનો અગાઉ તમામ અસરગ્રસ્ત ગ્રામજનોએ એક સુરે વિરોધ કર્યો હતો.હવે આ મુદ્દે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા મેદાનમાં આવ્યા છે.એમણે નર્મદા જિલ્લા કલેક્ટર અને નેશનલ હાઇવે ઓથોરિટીને પત્ર પણ લખ્યો છે.એમણે ચીમકી ઉચ્ચારી છે કે ખેડૂતોની મંજુરી વગર જો જમીન સંપાદન થશે તો ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન થશે.આ મુદ્દો એમણે સંકલન સમિતિની બેઠકમાં પણ ઉઠાવ્યો હતો.

  ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ જણાવ્યું હતું કે ભૂતકાળમાં આદિવાસી સમજે દેશના વિકાસમાં ઘણું મોટું યોગદાન આપ્યું છે.પરંતુ દરેક વિકાસનાં કામમા ખોટી રીતે આદિવાસીઓની જમીન લઈ વિસ્થાપિત કરવામાં આવે છે.દિલ્હી- મુંબઈ 4 લેન નેશનલ હાઈવેમા નર્મદા જિલ્લાના 35 ગામોના 912 સર્વે નંબરની 273 હેકટર જમીન સંપાદિત કરવાની પ્રક્રિયા હાલ ચાલી રહી છે, એ મોકૂફ રાખવામાં આવે એવી મારી માંગ છે.આ વિસ્તાર અનુસૂચિ 5 માં આવતો હોય, તથા પેસા એક્ટ પણ લાગુ હોવાથી ગ્રામસભાની પરવાનગી લઈ લોક સુનાવણી કરી 70%, ખેડૂતોની સંમતિ હોય ત્યાર પછી જ જમીન સંપાદિત કરવી જોઈએ જે કરાઈ નથી.આ જમીનનું સંપાદન 2013 અને 2015 ના ગેઝેટ મુજબ થવું જોઈએ જેથી ખેડૂતોને યોગ્ય વળતર મળી રહે.હાઇકોર્ટમાં જંત્રી વધારવા માટે રીટ પિટિશન પેન્ડિંગ છે જેથી નવા જંત્રીના ભાવ આવે પછી જ સંપાદન કરવું જોઇએ .દેશના આવા તમામ હાઈવે માટે 40 મીટર જમીન સંપાદન કરવામાં આવી નથી તો આ 4 લેન રોડ માટે 40 મીટર જમીન સસ્તા ભાવે સંપાદન કરવી જોઈએ નહિ.આ રોડમાં આવતા ખેડૂતોને નવસારી તેમજ બીજા જિલ્લાઓની જેમ એક વિંઘાના 96 લાખ રૂપિયા અને એક ફૂટના 900 રૂપિયા લેખે વળતર ચૂકવવું જોઈએ.
ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ ચીમકી આપતા જણાવ્યું હતું કે જો સરકાર ખેડૂતોની મંજૂરી વિના જમીન સંપાદન કરશે અને જો યોગ્ય વળતર નહિ મળે તો અમે આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું

 

(10:27 pm IST)