Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

ગુજરાતના સિનિયર એડવોકેટ કૃષ્ણકાંતભાઈ વખારિયાનું 92 વર્ષની વયે અવસાન

તેઓના માર્ગદર્શન હેઠળ કેટલાય વકીલોએ સફળતાનાં શિખર સર કર્યા :જાહેર જીવનમાં પણ અનેરું યોગદાન આપ્યું : વકીલ આલમમાં શોક છવાયો

ગુજરાતના સિનિયર એડવોકેટ કૃષ્ણકાંતભાઈ ગુલાબચંદ વખારીયાનું આજે 92 વર્ષની વયે અવસાન થયું. શ્રી કૃષ્ણકાંતભાઈના માર્ગદર્શન હેઠળ કેટલાય વકીલોએ સફળતાનાં શિખર સર કર્યા, તેમાંના ચાર હાઈકોર્ટના ન્યાયાધીશો અને તુષાર મહેતા સહિત ઘણા વરિષ્ઠ વકીલો છે. તેમની વિદાયથી વકીલ આલમમાં શોક છવાયો છે.

તેઓ વિદ્યાર્થી રાજકારણમાં સક્રિય રહ્યા અને કોંગ્રેસની ભારતીય રાષ્ટ્રીય ટ્રેડ યુનિયન કોંગ્રેસ હેઠળ મજૂર સંઘની પ્રવૃત્તિઓ કરી હતી. તેમણે 1957માં બીજી લોકસભા ચૂંટણીમાં ઉમેદવારી કરી હતી. લોકસભા બેઠકનું નામ ગિરનાર અને રાજકીય પક્ષનું નામ પ્રજા સોશિયાલિસ્ટ પાર્ટી હતું. સમય જતા એ અમરેલી લોકસભા બેઠક તરીકે ઓળખાવાઈ. કૃષ્ણકાંત વખારીઆ વકીલાતમાં સફળ થયા. છ દાયકાની વકીલાત સાથે આજે તેઓ આયુષ્યના દસમા દાયકામાં હતા. પરિવાર સાથે અમદાવાદમાં રહેતા તેમના પત્નીનું નામ લીલાબહેન અને પુત્ર મેહુલ વખારીઆ ગુજરાત હાઈકોર્ટમાં એડવોકેટ છે. બે પુત્રીઓ નામે અવની મહેતા અને બિંદુબહેન ઠક્કર તેમના પરિવાર સાથે અમદાવાદમાં રહે છે.
તેઓ અમરેલીના બગસરા ગામના વતની. તેમનો જન્મ મોસાળ બાબરામાં 16 સપ્ટેમ્બર 1930ના રોજ થયો હતો. તેમના પિતા પાટડીના દિવાન હતા. પાટડી જેવા નાના ગામમાં ભણવાનું શક્ય નહોતું એટલે શિક્ષણની શરૂઆત વિરમગામમાં હોસ્ટેલમાં રહીને કરી. એ પછી માધ્યમિક શિક્ષણ જૂનાગઢમાં તેમજ બહાઉદ્દીન કોલેજમાંથી બી. એ. થયા. જૂનાગઢના દિવાને 1947માં પાકિસ્તાન સાથે જોડાણ જાહેર કર્યું તો એનો મુસદ્દો જોવા તેઓ મિત્રો સાથે રાજના પ્રેસ પર ગયા હતા. પછી એ જ મિત્રો સાથે આ અતાર્કિક જોડાણનો વિરોધ કરવા ભૂગર્ભ પ્રવૃત્તિ આદરી જે ‘આરઝી હકૂમત’ સંગઠન સ્વરૂપે ઓળખાયું. ચળવળને કારણે દિવાન પાકિસ્તાન ભેગા થયા અને કૃષ્ણકાન્તભાઈએ વકીલાતનું ભણવા અમદાવાદની સર એલ. એ. શાહ લો કોલેજમાં એડમિશન લીધું. જૂનાગઢમાં ભણતા હતા એ સમયે ચોરવાડથી આવેલા યુવાન ધીરજલાલ હીરાચંદ અંબાણી સાથે મિત્રતા થઈ. સમય જતા ધીરુભાઈ અંબાણી રિલાયન્સ ઉદ્યોગ સમૂહના સ્થાપક તરીકે ઓળખાયા.
કૃષ્ણકાન્તભાઈએ રાજકોટથી વકીલાતની કારકિર્દી 1954માં શરૂ કરી. એ સમયે મુંબઈ હાઇકોર્ટની એક બેન્ચ રાજકોટમાં હતી. 1960માં અલગ ગુજરાત રાજ્ય સાથે ગુજરાત હાઇકોર્ટ અસ્તિત્વમાં આવી એટલે તેઓ રાજકોટ છોડી અમદાવાદ આવી ગયા. મોટાભાઈ નૌતમભાઈ ગુજરાત સરકારના ચીફ એન્જિનિયર હતા. એમનો ટેકો હતો એથી અમદાવાદમાં સ્થાયી થઈ શક્યા. એવા સ્થાયી થયા કે ‘રિલાયન્સ’ જૂથ માત્ર લોગો વડે ઓળખાતી કંપની બની ગઈ ત્યારે ધીરુભાઈ અંબાણીના મોટાભાઈ રમણીકભાઈ અંબાણી નવરંગપુરામાં તેમની પડોશમાં રહેવા આવી ગયા. તેઓ બાબરા, જસદણ અને ધારી બેઠક પર વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા. ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના માળખામાં લાંબો સમય વર્ષ 2010 સુધી તેના કાયદાકીય બાબતોના સલાહકાર રહ્યા. તેઓ બાર કાઉન્સિલ ઑફ ઇન્ડિયાના મુખપત્ર ‘ઇન્ડિયન એડવોકેટ્સ’ના એડિટર હતા. અમદાવાદમાં સ્થપાયેલી સંસ્થા ‘વિશ્વ ગુજરાતી સમાજ’ના સ્થાપકોમાંના એક અને તેના મુખપત્ર ‘વિશ્વમેળો’ના તંત્રી રહ્યા. કૌટુંબિક જીવન, વકીલાતની કારકિર્દી અને રાજકીય જીવનના સંભારણાને આલેખતું તેમનું પુસ્તક ‘યુગદર્શન’ નામે પ્રસિધ્ધ થયું છે.

 
(9:42 pm IST)