Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

કાંકરીયા કાર્નિવલને હેરીટેજ થીમની સાથે આવરી લેવાશે

અમદાવાદના દરવાજાની ઝાંખી મુખ્ય આકર્ષણઃ ૭૦ મિનિટનું ઓડિયો-વિઝયુઅલ પર્ફોમ લોકોને ગમશે

અમદાવાદ, તા.૨૨, અમદાવાદ શહેરને આ વર્ષે જુન માસમાં પોલેન્ડ ખાતે યોજાયેલી યુનેસ્કોની હેરીટેજ કમિટીની બેઠકમાં વૈશ્વિક કક્ષાના હેરીટેજસીટીનો દરજજો આપવામાં આવ્યા બાદ સૌ પ્રથમ વખત શહેરના કાંકરીયા ખાતે યોજાઈ રહેલા કાર્નિવલને હેરીટેજ થીમ સાથે આવરી લેવાનું ભવ્ય આયોજન મ્યુનિસિપલ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યું છે આ સાથે જ કાંકરીયા કાર્નિવલમાં પ્રવેશવાની એન્ટ્રી ઉપર અમદાવાદ શહેરના  મુખ્ય દરવાજાની ઝાંખી પણ પ્રદર્શિત કરવામાં આવશે.અમદાવાદ શહેરમાં સતત ૧૦મા વર્ષે યોજાવા જઈ રહેલા કાર્નિવલના કેટલાક કાર્યક્રમો આ વર્ષે શહેરના ભદ્ર પ્લાઝા અને રીવરફ્રન્ટ ખાતે પણ આયોજિત કરવામાં આવનાર છે.આ અંગે મળતી પ્રમાણે,અમદાવાદ શહેરના કાંકરીયા ખાતે છેલ્લા નવથી પણ વધુ વર્ષથી દર વર્ષે ૨૫ ડિસેમ્બરથી ૩૧ ડિસેમ્બર સુધી કાર્નિવલનું આયોજન કરવામાં આવી રહ્યું છે.પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ કાંકરીયા ખાતે આગામી સોમવાર અને ૨૫ ડિસેમ્બરથી કાર્નિવલનો ભવ્યાતિભવ્ય આરંભ કરવામાં આવનાર છે.આ અગાઉ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તેને લગતી તમામ તૈયારીઓને અંતિમ ઓપ આપી દેવામાં આવ્યો છે.આ વર્ષે જુન માસમાં પોલેન્ડના કારકો શહેર ખાતે મળેલી યુનેસ્કોની હેરીટેજ કમિટીની બેઠકમાં અમદાવાદ શહેરને વૈશ્વિક કક્ષાના હેરીટેજ શહેર તરીકે જાહેર કરવામાં આવેલું હોઈ આ વખતે કાંકરીયા ખાતે યોજાનારા કાર્નિવલનું એ દ્રષ્ટિએ પણ મહત્વ ઘણું વધી જાય છે.આ પરિસ્થિતિમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાંકરીયા કાર્નિવલમાં પ્રવેશવાની મુખ્ય તમામ એન્ટ્રીઓ ઉપર અમદાવાદ શહેરમાં એક સમયે પ્રવેશવાના જે મુખ્ય ૧૬ દરવાજા હતા તેની આબેહુબ પ્રતિકૃતિ પણ ઉભી કરી તેની ઓળખ મુલાકાતીઓને આપવાનો પ્રયાસ કરવામાં આવનાર છે.આ સાથે જ અમે અમદાવાદી એ શિર્ષક ઉપર તૈયાર કરવામાં આવેલું ૭૦ મિનીટનું પ્રેઝન્ટેશન એ આ કાર્નિવલની મુલાકાત લેનારા તમામ મુલાકાતીઓને માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે કેમકે આ પ્રેઝન્ટેશનમાં ઓડિયો અને વિડિયો એમ બંને પ્રકારની અમદાવાદ શહેરને લગતી તમામ માહિતીઓ આપવામાં આવી છે.આ પ્રેઝન્ટેશનમાં કુલ મળીને ૧૨૫ જેટલા કલાકારો દ્વારા તેમનું પર્ફોર્મન્સ આપવામાં આવ્યું છે.આ ઉપરાંત ૨૯ ડિસેમ્બરથી ૩૧ ડિસેમ્બર સુધીના સમયગાળામાં કાંકરીયા નગીનાવાડી અને ફૂટબોલ ગ્રાઉન્ડ એમ બે સ્થળોએ એરો મોડેલિંગની પ્રવૃત્તિને પ્રોત્સાહિત કરવા માટે ખાસ શો લોકો સમક્ષ કરવામાં આવનાર છે જેમાં હેલીકોપ્ટર,ગ્લાઈડર,પાવર એરોપ્લેન,વગેરેની મદદથી હેરતઅંગેઝ પ્રદર્શન પણ કરવામાં આવનાર છે.

શહેરમાં આ વર્ષે સૌ પ્રથમ વખત ભદ્રપ્લાઝા અને રીવરફ્રંટ ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે.જેમાં ગીત,ગઝલ અને સુફી સંગીત જેવા કાર્યક્રમોનો પણ સમાવેશ થાય છે.

(9:40 pm IST)