Gujarati News

Gujarati News

News of Sunday, 22nd May 2022

તાપી પાર નર્મદા લિંક પ્રોજેક્ટને લઇને આદિવાસીઓને ગુજરાત સરકાર દ્વારા મોટી રાહત : ગુજરાત સરકારે તાપી પાર નર્મદા લિંક પ્રોજેક્ટને કાયમી ધોરણે રદ કર્યો

પાર-તાપી પ્રોજેક્ટ 42 વર્ષે મંજૂર અને માત્ર બે મહિનામાં જ રદ્દ, જમીન ગુમાવવાનો ડર હોવાથી આદિવાસીઓએ વિરોધ કર્યો હતો

તાપી : તાપી પાર નર્મદા લિંક પ્રોજેક્ટને લઇને આદિવાસીઓને ગુજરાત સરકાર દ્વારા મોટી રાહત આપવામાં આવી છે. રાજ્ય સરકારે આદિવાસીઓના હિતમાં પીછેહઠ કરતા મહત્વનો નિર્ણય લેતા તાપી પાર નર્મદા લિંક પ્રોજેક્ટને કાયમી ધોરણે રદ કરી દીધો છે. તમને જણાવી દઇએ કે, તાપી પાર નર્મદા લિંક પ્રોજેક્ટને 28 માર્ચના રોજ સ્થગિત કરાયો હતો. પાર-તાપી-નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ મામલે આદિવાસીઓમાં રોષ જોવા મળી રહ્યો હતો. આ રોષને પામી સરકારના મંત્રીઓ સહિત આગેવાનો  28 માર્ચે આદિવાસીઓ સાથે બેઠક કરવા માટે વલસાડ પહોંચ્યા હતા. જ્યાં તેમણે ડેમ હટાવો સમિતિના પ્રમુખ અને ઉપપ્રમુખ સાથે વાતચીત કરી હતી. આ વાતચીત બાદ રાજ્ય સરકાર દ્વારા હાલ કોઇ પણ આદિવાસીઓને વિસ્થાપિત નહીં કરવાની સહકાર તરફથી મંત્રીઓએ માહિતી આપી હતી.

ગુજરાત ભાજપના આદિવાસી નેતાઓ રિવર લિંક પ્રોજેક્ટ માટે ગૃહમંત્રી અમિત શાહ અને નાણામંત્રી નિર્મલા સીતારમણને રજૂઆત કરવા માટે દિલ્હી પહોંચ્યા હતા. સરકારના મંત્રીઓ અને ધારાસભ્યો પ્રતિનિધિમંડળ દિલ્હી જઈ અને આ મુદ્દે આદિવાસી સમાજની લાગણી કેન્દ્ર સરકાર સમક્ષ મુકવામાં આવી હતી. ત્યારબાદ કેન્દ્ર સરકારે આ પ્રોજેક્ટને સ્થગિત કરી દીધો હતો.નોંધનીય છે કે, આદિવાસી વિસ્તારના ભાજપના ધારાસભ્ય-સાંસદો નાણામંત્રી નિર્મલા સીતારમણ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને કેન્દ્રીય સિંચાઈ મંત્રી સાથે મુલાકાત કરી હતી. જેમાં નર્મદા-પાર-તાપી લિંક યોજના રોકવાની રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે નેતાઓની રજૂઆત બાદ નર્મદા-પાર-તાપી રિવર લિંક યોજના ગુજરાત માટે સ્થગિત કરી દેવાઈ હતી. તમને જણાવી દઇએ કે, સુરતના વ્યારા ખાતેના એક કાર્યક્રમમાં સી.આર.પાટીલે તાપી પાર નર્મદા લિંક મુદ્દે આદિવાસીઓને સાંત્વના આપી હતી કે, ‘અધિકારીઓ કોઈ જગ્યાએ કનડગત કરે તો કહેજો.’

 તાપી પાર નર્મદા લિંક મુદ્દે નિવેદન આપતા જણાવ્યું હતું કે, ‘કોંગ્રેસ આદિવાસી ભાઈ બહેનોને ઉશ્કેરે છે. આ યોજનાની સાઈન થઈ ત્યારે વડાપ્રધાન મનમોહનસિંહ હતાં. રાજ્યના મુખ્યમંત્રી સંમતિ આપે તો યોજના અમલમાં આવે. ત્યારે મુખ્યમંત્રીએ આ યોજનાની સંમતિ ન હોતી આપી. પરંતુ અમિત શાહ સાહેબે નિર્ણય કર્યો છે. આ યોજનાને અમે સ્થગિત કરી દઈએ છીએ. અધિકારીઓ કોઈ જગ્યાએ કનડગત કરતા હોય તો જાણ કરજો. ચૂંટાયેલા પ્રતિનિધિનો સંપર્ક કરજો, કોઇ તમારો અધિકાર છીનવી શકે નહીં.’

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ તાપીના સોનગઢમાં આદિવાસી સમાજ દ્વારા સંમેલન યોજીને પાર-તાપી-નર્મદા રિવર લિંક પ્રોજેક્ટને રદ્દ કરવાની માંગ કરવામાં આવી હતી. આદિવાસી સમાજની આ રેલીને કોંગ્રેસે પણ સમર્થન આપ્યું હતું. રેલીમાં વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ સહિત કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા. આ  પ્રોજેક્ટ રદ્દ કરવા મામલે તેઓ આકરા પાણીએ જણાયા હતા. છેલ્લાં ઘણા સમયથી શ્વેતપત્રની માંગ કરવા છતાં પણ કોઇ ઉકેલ ન આવતા આ મામલે PM મોદીને 1111 પોસ્ટકાર્ડ લખવામાં આવ્યા હતાં.

(12:03 pm IST)