Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

મોરવાહડફ સભ્યનું જાતિનું પ્રમાણપત્ર રદ કરાતાં રિટ

સરકારે પણ કેવીયેટ દાખલ કરી દીધી

અમદાવાદ,તા. ૨૨ : આદિજાતિ કમિશનરે મોરવાહડફના ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ ખાટનું ભીલ જાતિનું પ્રમાણપત્ર રદ કર્યું હતું. જેનાથી નારાજ થઇ અરજદાર ધારાસભ્યએ ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. બીજીબાજુ, રાજય સરકાર તરફથી પણ હાઇકોર્ટમાં કેવીયેટ દાખલ કરી દેવાઇ હતી કે, સરકારને સાંભળ્યા વિના હાઇકોર્ટ આ કેસમાં કોઇ હુકમ ના કરે. આ કેસની વધુ સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાય તેવી શકયતા છે. મોરવાહડફના ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ ખાંટનું હિન્દુ ભીલ તરીકેનું જાતિનું પ્રમાણપત્ર આદિજાતિ વિકાસ કમિશનરે તાજેતમારં જ રદ કર્યું હતું. અરજદાર ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ ખાંટે આદિજાતિ વિકાસ કમિશનરના નારાજથી થઇ હાઇકોર્ટમાં રિટ અરજી દાખલ કરી એવા મુદ્દા ઉપસ્થિત કર્યા છે કે, આદિજાતિ વિકાસ કમિશનરે ખોટી રીતે અરજદારનું જાતિનું પ્રમાણપત્ર રદ કર્યું છે. આદિજાતિ વિકાસ કમિશનરનો નિર્ણય ગેરકાયદે અને અયોગ્ય હોઇ તેને રદબાતલ ઠરાવવા અરજદાર ધારાસભ્યએ રિટમાં દાદ માંગી છે. દરમ્યાન ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ ખાંટની અરજી પહેલાં રાજય સરકાર દ્વારા પણ હાઇકોર્ટમાં કેવીયેટ અરજી દાખલ કરી દેવાઇ છે. સરકાર દ્વારા કેવીયટમાં અદાલતને વિનંતી કરવામાં આવી છે, આ કેસમાં સરકારપક્ષને સાંભળ્યા વિના કોઇ હુકમ કરવામાં આવે નહી. આ કેસની સુનાવણી હવે આગામી સપ્તાહમાં નીકળે તેવી શકયતા છે.

(7:43 pm IST)