Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

છત્રાલના રામજી મંદિરમાં બે ઓરડીઓને તોફાની ટોળકીએ સળગાવવાનો પ્રયાસ કરતા ચકચાર

છત્રાલ:માં આવેલા રામજી મંદીરની બે ઓરડીઓને તોફાનીઓએ સળગાવવાનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઇ છે. ઓરડીઓની આગળ તોફાનીઓએ ટાયર સળગાવતા દોડધામ મચી ગઇ હતી. આજુબાજુમાંથી દોડી આવેલા લોકોએ સળગતા ટાયરો ઉપર પાણી ફેંકી આગ હોલવી દીધી હતી. છત્રાલમાં આવેલા રામજી મંદિરની બે ઓરડીઓને તોફાની તત્વોએ નિશાન બનાવતા ચકચાર મચી ગઇ હતી. મોડીરાત્રે તોફાની તત્વોએ મંદીરની ઓરડીની આગળ ટાયરો સળગાવી આગ લગાવી ભાગી છુટયા હતા. જો કે આસપાસના લોકોને ઘટનાની જાણ થતા દોડી આવ્યા હતા અને આગ હોલવી નાંખી હતી. આગને લીધે ઓરડીના દરવાજાને નુકશાન થયું હતું. ઉલ્લેખનીય છે કે છત્રાલમાં અવાર નવાર કોમી અથડામણની ઘટનાઓ બની રહી છે અને તેમાય મંદીરની ઓરડી સળગાવવાનો પ્રયાસ થતા વાતાવરણ વધુ ડહોળાય તેવા એંધાણ વર્તાઇ રહ્યાં છે. મહત્વની વાત તો છે કે છત્રાલમાં છેલ્લા ઘણા દિવસોથી કોમી અથડામણની ઘટનાઓ બની રહી છે. હુમલાઓ અંગે ફરીયાદો પણ દાખલ થઇ છે. બે દિવસ અગાઉ તોફાનીઓએ પોલીસવાનના કાચ તોડી નાંખી પોલીસ ઉપર પથ્થરમારો કરી બે પોલીસકર્મીઓને પણ ઘાયલ કરી દીધા હતા. તેમ છતાં પણ પોલીસ દ્વારા અસરકારક કામગીરી નહી કરવામાં આવતી હોવાથી અવાર નવાર કોમીની ઘટનાઓ બની રહી છે. ગ્રામજનોએ એવા પણ આક્ષેપો કર્યા હતા કે દિવસ દરમિયાન પોલીસ બંદોબસ્ત હોય છે. જો કે, રાત્રે પોલીસ બંદોબસ્ત નહી ગોઠવાતો હોવાથી ફફડાટનું વાતાવરણ સર્જાય છે. જો કે મંદિરની ઓરડી સળગાવવાનો પ્રયાસ થયો તે અંગે હજી સુધી પોલીસ ફરિયાદ થઇ નથી.

 

 

(5:12 pm IST)